રાજનીતિના બે પલટુરામ...: લખનઉમાં લાગેલા પોસ્ટરમાં નીતિશ કુમાર ઉપરાંત આ નેતાથી સાવધાન રહેવાની આપી સલાહ
અખિલેશ યાદવના કારણે જ નીતીશ કુમાર અને મમતા બેનરજી INDIA ગઠબંધનમાં બહાર થઈ ગયા: ઓમ પ્રકાશ રાજભર
લખનઉ, તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર
નીતીશ કુમારની એનડીએમાં વાપસીથી બિહારના રાજકીય સમીકરણો સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. બિહારમાં બદલાયેલા આ સમીકરણોના પડઘા ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં નીતીશ કુમારને 'પલટૂરામ' કહેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ યુપીના રાજકારણ સાથે જોડાયેલા ઓમ પ્રકાશ રાજભરથી પણ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઓમ પ્રકાશ રાજભર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ છે અને રાજકીય સમીકરણ હિસાબે પક્ષ પણ બદલતા રહે છે. લખનઉમાં સમાજવાદી કાર્યાલય બહાર નીતીશ કુમાર અને ઓમ પ્રકાશ રાજભર વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
રાજનીતિના બે પલટુરામ, જનતા રહે તેનાથી સાવધાન
લખનઉમાં સમાજવાદી પાર્ટી કાર્યાલયની બહાર જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમાં એક તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને બીજી તરફ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓ.પી. રાજભરની તસવીર લગાવવામાં આવી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'રાજનીતિના બે પલટુરામ, જનતા રહે તેનાથી સાવધાન.'
અખિલેશના કારણે નીતિશ કુમારે INDIA ગઠબંધન સાથે છેડો ફાડ્યો
સીતાપુરમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઓમ પ્રકાશ રાજભરે ગત સોમવારે કહ્યું હતું કે, અખિલેશ યાદવના કારણે જ નીતીશ કુમાર અને મમતા બેનરજી I.N.D.I.A. ગઠબંધનમાંથી બહાર થઈ ગયા છે. અન્ય પક્ષો પણ તેમાંથી બહાર જવાની તૈયારી કરી રહ્યા છે. રાજભરે કહ્યું હતું કે, અખિલેશ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન મુશ્કેલ છે. એનડીએની ટક્કરમાં કોઈ નથી.