NDA ટેન્શનમાં, ભાજપ-ટીડીપી વચ્ચે આ મુદ્દે બબાલની શક્યતા, બંનેના સ્ટેન્ડ અલગ-અલગ
Modi Cabinate News | જ્યારે ભાજપ કેન્દ્રમાં બહુમતને સ્પર્શી ના શક્યો ત્યારે NDAમાં સામે પક્ષો પર તેની નિર્ભરતા વધી ગઈ. આ પક્ષોમાં ટીડીપી સૌથી મોટી પાર્ટી છે. તેની પાસે 16 સાંસદો છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ ભાજપ અને ટીડીપીએ સત્તામાં વાપસી કરી છે. ચંદ્રબાબુ નાયડુ સરકાર બનાવવા જઈ રહ્યા છે. સરકારમાં ભાજપ પણ ભાગીદાર રહેશે. જો કે અહીં ટીડીપી પાસે એકલા હાથે બહુમતી છે. તેમ છતાં કેટલાક એવા મુદ્દા છે જેના કારણે ભાજપ સાથે તેનો બગાડ થઇ શકે છે.
આજે ચંદ્રબાબુ નાયડુના સીએમ તરીકે શપથ
ચંદ્રબાબુ નાયડુ કેબિનેટના શપથ ગ્રહણ સાથે આજે આંધ્રપ્રદેશમાં ટીડીપીની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના થશે. સરકાર બન્યા બાદ તમામની નજર મુસ્લિમ અનામત સહિતના નિર્ણયો પર રહેશે, જેના પર ભાજપ અને ટીડીપીનો રસ્તો એકદમ અલગ જ દેખાય છે.
ટીડીપી મુસ્લિમ અનામત મુદ્દે મક્કમ
ટીડીપીએ સ્પષ્ટ કર્યું છે કે તે મુસ્લિમ અનામત ખતમ નહીં કરે. જ્યારે ભાજપ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ચૂંટણી દરમિયાન મુસ્લિમ અનામતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ટીડીપી માને છે કે આ વલણ ભાજપનું છે અને તે ત્યારે જ થશે જ્યારે ભાજપ રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવશે. ટીડીપી કોઈપણ સમુદાયની અનામત રદ નહીં કરે.
ટીડીપી શું કહે છે?
ટીડીપીનું માનવું છે કે સામાજિક અને આર્થિક રીતે પછાત સમુદાયોને ધર્મ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના ગરીબી સામે લડવા માટે લાભ મળવો જોઈએ અને અમે એ ચાલુ રાખીશું. ટીડીપી અન્ય ઘણા મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાના મૂડમાં છે. તેમાં સીમાંકનનો મુદ્દો પણ સામેલ છે. પાર્ટીનું કહેવું છે કે નિર્ણયો એકલા ન લેવામાં આવે અને માત્ર આંધ્ર પ્રદેશ જ નહીં પરંતુ અન્ય રાજ્યોના હિત અને પ્રતિનિધિત્વને પણ ધ્યાનમાં રાખવું પડશે. દક્ષિણનો આ પક્ષ સીમાંકન અને યુનિફોર્મ સિવિલ કોડ (CAA) જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માંગે છે. ટીડીપી નેતાઓનું કહેવું છે કે આ તમામ મુદ્દાઓ પર ચર્ચાની જરૂર છે. હાલમાં ટીડીપી સરકારની પ્રાથમિકતા કેન્દ્ર પાસેથી વધુ આર્થિક મદદ મેળવવાની રહેશે. ટીડીપી રાજધાની અમરાવતીના વિકાસ અને રોકાણ યોજનાઓ અંગે કેન્દ્ર પાસેથી સહયોગ ઈચ્છે છે. ટીડીપી તરત જ વિશેષ દરજ્જા માટે દબાણ કરશે નહીં, પરંતુ આ મુદ્દો તેમના એજન્ડામાં પણ છે.