હરિયાણામાં આપ-કોંગ્રેસના જોડાણની શક્યતા : રાહુલ-કેજરીવાલ પર નજર

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં આપ-કોંગ્રેસના જોડાણની શક્યતા : રાહુલ-કેજરીવાલ પર નજર 1 - image


- ઝારખંડના મુખ્યમંત્રી સોરેનની કોંગ્રેસ પ્રમુખ ખડગે-રાહુલ સાથે મુલાકાત

- હરિયાણામાં કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં 49 નામોની યાદીમાંથી 34 મંજૂર, 15 નામ પેન્ડિંગ, 22 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ 

ચંડીગઢ : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. બધા પક્ષો ચૂંટણી મેદાનમાં આમનો-સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે હરિયાણામાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપનો સામનો કરે તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આપ સાથે જોડાણ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રસ દર્શાવ્યો હોવાની બાબતને આવકારી છે. તેમણે કહ્યું કે, ભાજપને હરાવવો અમારી પ્રાથમિક્તા છે. જોકે, પક્ષના રાષ્ટ્રીય કન્વિનર કેજરીવાલની સહમતિથી નિર્ણય લેવાશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં સોમવારે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં ૩૪ ઉમેદવારોના નામને અંતિમ રૂપ અપાયું હતું. આ સમયે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે જોડાણની સંભાવનાઓ અંગે રસ દર્શાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

હરિયાણામાં ૯૦ બેઠકો પર પાંચ ઑક્ટોબરે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ અહેવાલોને આવકારતા આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું કે, ભાજપને હરાવવો એ દરેક વિપક્ષની પ્રાથમિક્તા છે. રાહુલ ગાંધીએ હરિયાણામાં જોડાણ માટે રસ દર્શાવ્યો એ બાબતનું હું સ્વાગત કરું છું, પરંતુ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સહમતિથી અંતિમ નિર્ણય લેવાશે.

બીજીબાજુ કોંગ્રેસના હરિયાણાના પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું કે, બુધવાર સુધીમાં પક્ષની અંતિમ યાદી જાહેર થઈ જશે. રેસલર વિનેશ ફોગાટ અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ આવી જશે. રાજ્યની સ્ક્રિનિંગ સમિતિએ ૪૯ નામોની યાદી રજૂ કરી છે, જેમાંથી ૩૪ને મંજૂરી મળી ગઈ છે અને ૧૫ નામ પેન્ડિંગ છે. ૨૨ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાની મંજૂરી મળી ગઈ છે.

બીજીબાજુ ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજુ તેની જાહેરાત નથી થઈ, પરંતુ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ જોડાણ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મંગળવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના જંગી વિજયની ખાતરી આપી હતી. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચમ્પઈ સોરેન ભાજપમાં જોડાયા પછી સોરેન અને કોંગ્રેસના નેતાઓએ આ બેઠક કરી હતી. આ બેઠકમાં કલ્પના સોરેન પણ હાજર હતાં.


Google NewsGoogle News