ગરીબો જેલમાં જ રહી જાય છે, અમીરોને જામીન મળી જાય છે : સુપ્રીમના ન્યાયાધીશ
સુપ્રીમના ન્યાયાધીશ એસ. કે. કૌલે ન્યાય વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી
કાચા કામના કેદીઓને લાંબા સમય સુધી કેદ રાખવા ભયજનક, તેમના પરિવાર પર માઠી અસર થાય છે ઃ ન્યાયાધીશ કૌલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કિશન કૌલે દેશની વર્તમાન ન્યાય વ્યવસ્થા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક ગરીબો એટલા માટે જેલમાં કેદ રહી જાય છે કેમ કે તેમની પાસે ન્યાય માટે ખર્ચ ઉઠાવવા પૈસા નથી હોતા. જ્યારે વકીલો પાછળ ખર્ચો કરવા સક્ષમ અમીરોને જામીન મળી જાય છે. વર્ષોથી જેલોમાં કેદ કાચા કામના કેદીઓ અંગે આ અવલોકન કર્યું હતું.
અન્ડરટ્રાયલ રિવ્યૂ કમિટી સ્પેશિયલ કેમ્પેઇન ૨૦૨૩ના લોન્ચિંગ વખતે ન્યાયાધીશ કૌલે કહ્યું હતું કે ગરીબ અને અશિક્ષિત લોકોને કસ્ટડીમાં રાખવાની શક્યતાઓ વધી જાય છે.
ન્યાયાધીશો તરીકે અમારી જવાબદારી એ નિશ્ચિત કરવાની છે કે કેવા પ્રકારના વકીલોની સહાયતા લેવા માટે તેઓ સક્ષમ છે કે કેમ તેના આધારે તેમની સાથે ભેદભાવ ન થવો જોઇએ. આ અભિયાન દરમિયાન એવા કેદીઓની ઓળખ અને સમીક્ષા કરવાની છે કે જેઓને છોડવા પર વિચાર કરી શકાય તેમ હોય.
ન્યાયાધીશ કૌલે વધુમાં કહ્યું હતું કે વિચારણા હેઠળના એટલે કે અન્ડર ટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી કેદ રાખવા તે ભયજનક સ્થિતિ છે.
જેને લઇને કોઇ પણ આંખ આડા કાન ના કરી શકે. ગરીબ લોકોને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની અસર આવા કેદીઓની સાથે સાથે તેમના પરિવાર પર પણ પડે છે. ન્યાયાધીશ કૌલે વધુમાં કહ્યું હતું કે જેલમાં આવા વિચારણા હેઠળના કેદીઓનો મુદ્દો ન્યાયપાલિકા સામે ઉઠે છે ત્યારે છોડવાની સમિક્ષાને લાયક છે. આ દરમિયાન તેમણે ગરીબ કેદીઓને ન્યાય વ્યવસ્થા તરફથી મદદની પણ અપીલ કરી હતી. દોષ સિદ્ધ થયા પહેલા કસ્ટડીમાં લાંબો સમય સુધી રાખવાથી આપરાધિક ન્યાય સંસાધનો ભટકી જાય છે અને આરોપીઓ અને તેના પરિવાર પર બોજ નાખે છે.