ગંભીર: શું સેનાના ઈનપુટ થઈ રહ્યા છે લીક? બર્બરતા બાદ આતંકવાદીઓ બનાવી રહ્યા છે વીડિયો
સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું કે સૈન્યની હિલચાલના ઈનપુટ લીક થઈ રહ્યા છે એવું નથી પરંતુ એવું કહી શકાય કે આતંકવાદીઓએ આવા હુમલા રેકી કરતા હશે
આવા સંગઠન હાઇબ્રિડ વિંગ સાથે સંકળાયેલા લોકો, વિવિધ માર્ગે છુપાઈને લશ્કરી હિલચાલ વિશે માહિતી મેળવી શકે છે
Poonch Terror Attack: આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોએ સુરક્ષા દળો પર અનેક મોટા હુમલા કર્યા છે. લગભગ બધા હુમલાઓ બાબતે ગુપ્ત માહિતી મળી છે. પરંતુ ઈનપુટમાં ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ ન કરતા કોઈ એક ચોક્કસ વિસ્તાર સુચવવામાં આવે છે. તેમજ હુમલા બાદ તેઓ સૈનિકો સાથે કરવામાં આવેલી બર્બરતાનો વીડિયો પણ બનાવે છે. આ વિસ્તારમાં હુમલા દરમિયાન સુરક્ષા દળોને અન્ય સ્થળોએથી તાત્કાલિક મદદ મળી શકી ન હતી. સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એવું નથી કે સૈન્યની હિલચાલના ઈનપુટ લીક થઈ રહ્યા છે. હા, એ ચોક્કસ સાચું છે કે આતંકવાદીઓએ આવા હુમલા માટે લાંબું હોમવર્ક કર્યું હશે અથવા તો રેકી કરી હશે.આવા સંગઠન હાઇબ્રિડ વિંગ સાથે સંકળાયેલા લોકો, વિવિધ માર્ગે છુપાઈને લશ્કરી હિલચાલ વિશે માહિતી મેળવી શકે છે
આતંકવાદીઓને જંગલ અને ગુફા વિસ્તારના કારણે લાભ
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. તેમજ સૈનિકોના હથિયારો લૂંટ્યા હોવાની પણ ચર્ચા છે, પરંતુ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ હુમલાની જવાબદારી જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની પ્રોક્સી વિંગ 'પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ' (PAFF) દ્વારા લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં વિદેશી અને સ્થાનિક એમ 110 જેટલા આતંકવાદીઓ હાજર છે, જેમને શક્ય તેટલી વહેલી તકે ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવું પણ બની શકે છે કે આતંકવાદીઓને પૂંછ તેમજ રાજૌરીના ગાઢ જંગલો અને ગુફાઓનો લાભ મળી રહ્યો હોય. આ ઉપરાંત આતંકવાદીઓના સહયોગી સૈન્યની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે.
આતંકવાદીઓ સુરક્ષા દળોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે
PAFF એ જમ્મુ અને કાશ્મીરમાં 'G-20' બેઠકના થોડા દિવસો પહેલા ભારતીય સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ રાજૌરીના કાંડીના જંગલોમાં ગુફાઓમાં છુપાયેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. PAFFના પ્રવક્તા તનવીર અહેમદ રાથેરે આ હુમલાની જવાબદારી લીધી હતી. PAFF એ આ હુમલાઓનો વીડિયો પણ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષા દળોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.
પાકિસ્તાનના 68 આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને સ્થાનિક યુવાનો મળતા ન હોવાથી હવે ત્યાં ભરતી નથી થઇ રહી. પરંતુ હાલ પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ-કાશ્મીરના વિવિધ ભાગોમાં લગભગ 68 વિદેશીઓ એટલે કે પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ છુપાયેલા છે. આ સિવાય બે ડઝનથી વધુ સ્થાનિક આતંકવાદીઓ પણ છે. જેઓ સુરક્ષા દળોના કેમ્પ પર અને વસ્તીવાળા વિસ્તારોની આસપાસ હુમલાઓ કરતા હતા. હવે તેમની વ્યૂહરચના બદલાઈ રહી છે. 'લશ્કર-એ-તૈયબા' (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) એ જમ્મુ અને કાશ્મીરમાં તેમના સહયોગી જૂથો 'પ્રોક્સી વિંગ'ની સ્થાપના કરી છે. જૈશ-એ-મોહમ્મદની પ્રોક્સી વિંગ 'પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ' (PAFF) છે, જ્યારે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) 'લશ્કર-એ-તૈયબા'ની 'પ્રોક્સી વિંગ' છે. આ સંસ્થાઓ ગેપ પછી જ મોટા હુમલાની યોજના બનાવે છે. તે હુમલો કેમ્પ પર નહીં, પરંતુ નિર્જન વિસ્તારના રસ્તા પર કરવામાં આવે છે. તેમાં તેમને સફળતા પણ મળે છે. તેમની આ વ્યૂહરચનાથી સુરક્ષા દળોને ભારે નુકસાન થાય છે.
ખીણમાં આતંકવાદીઓ ઘણા વર્ષોથી છુપાયેલા છે
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2022 દરમિયાન 187 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સ્થાનિક આતંકવાદીઓ 130 અને વિદેશી આતંકવાદીઓની સંખ્યા 57 હતી. વર્ષ 2021માં 180, 2020માં 221, 2019માં 157 અને 2018માં 257 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI તેના સાગરિતો અને આતંકવાદી સંગઠનોની મદદથી જમ્મુ-કાશ્મીરમાં હાઇબ્રિડ આતંકવાદીઓની ભરતી કરી રહી છે. ત્યાં તાજેતરમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય. સુરક્ષા દળો ત્યાં સુધી પહોંચી શક્યા નથી. જમ્મુ કાશ્મીર પોલીસ, આઈબી, આર્મી અને અન્ય એજન્સીઓ આતંકીઓના ઠેકાણા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ આતંકવાદીઓને ઘાટીમાં ચોક્કસથી કોઈને કોઈ પ્રકારની મદદ મળી રહી છે, આ વાતને નકારી શકાય નહીં.
આતંકવાદી સંગઠનોનું નેટવર્ક ખુબ જ ફેલાયેલું છે
'પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ' (PAFF) અને 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF), આ બંને 'પ્રોક્સી વિંગ'ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને NIA આ સંગઠન માટે કામ કરતા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને પકડવા માટે એક્ટીવ છે. NIA દ્વારા આતંકવાદી ફંડિંગના મૂળ સુધી પહોંચવા માટે ઘણી વખત રેડ પાડવામાં આવી છે. આ અંતર્ગત ઘણી ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં સોથી વધુ આતંકીઓ સક્રિય હોવાનું કહેવાય છે. તેમજ આ વર્ષે મોટાભાગના એન્કાઉન્ટરો રૂટિન રહ્યા નથી. આતંકવાદીઓ તો માર્યા ગયા છે, પરંતુ તેઓએ સુરક્ષા દળોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. માર્યા ગયેલા ઘણા આતંકવાદીઓને અફઘાન લડવૈયાઓની તર્જ પર તાલીમ આપવામાં આવી હતી. તેમની પાસે સુરક્ષા દળોની હિલચાલથી માંડીને અન્ય ઘણા ઈનપુટ્સ છે. આ આતંકવાદી છુપવા માટે એવી જગ્યા તૈયાર કરે છે, જ્યાં સુધી પહોંચવું સુરક્ષા દળો માટે સરળ નથી હોતું. સ્થાનિક આતંકવાદીઓ આવી રણનીતિ તૈયાર કરી શકતા નથી. તાજેતરમાં જ રાજૌરીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાંથી એક પાકિસ્તાની આતંકવાદી 'ક્વારી' જે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' આતંકવાદી હતો. આ આતંકવાદીને પાકિસ્તાન/અફઘાનિસ્તાન મોરચે તાલીમ આપવામાં આવી હતી. તે એક પ્રશિક્ષિત સ્નાઈપર અને આઈઈડી તૈયાર કરવામાં નિષ્ણાત પણ હતો.