દિલ્હી-NCRમાં લોકોએ પુષ્કળ ફટાકડા ફોડ્યા, સુપ્રીમ કોર્ટના આદેશનો કર્યો ભંગ, AQI ફરી ગંભીર શ્રેણીમાં
લોકોએ 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડ્યા હતા
રાજધાનીમાં ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ
Diwali Delhi Pollution : દિલ્હી-NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું છે.
સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું
ગઈકાલે દિવાળીના તહેવાર પર દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારે રાજધાની દિલ્હી સહિત NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેના કારણે રાજધાની દિલ્હી-NCRમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે સાંજ પડતાંની સાથે જ લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડ્યા હતા. ગઈકાલે રાત્રે લોકોએ ફટાકડા ફોડતા રાજધાનીમાં ફરી એકવાર ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી તેમજ સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું.
દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં છે. દિલ્હી-NCRમાં ફટાકડાથી ફરી પ્રદૂષણનું સ્તર વધતા AQI જે દિવાળીની સાંજ સુધી 218 હતો, તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે. આ સિવાય દિલ્હીના આનંદ વિહાર, જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, વજીરપુર, બવાના અને રોહિણી પણ પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે.