Get The App

દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભારતના, આ શહેર તો દિલ્હીથી પણ આગળ

Updated: Mar 11th, 2025


Google News
Google News
Global Pollution List


Global Pollution List: દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતમાં આવેલા છે. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતમાં છે. મેઘાલયનું બર્નિહાટ આ યાદીમાં ટોચ પર છે. તેમજ દિલ્હી આજે પણ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનું શરમજનક બિરુદ ધરાવે છે. 

મેઘાલયનું બર્નિહાટ સૌથી પ્રદૂષિત શહેર 

સ્વિસ એર ક્વોલિટી ટૅક્નોલૉજી કંપનીએ મંગળવારે IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 20 પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતમાં છે, પરંતુ દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી કે નોઇડા નહીં પરંતુ મેઘાલયનું બર્નિહાટ છે. જ્યારે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં સામેલ છે.

વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતમાં છે

બર્નિહાટ (મેઘાલય), દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), લોની (ગાઝિયાબાદ), નવી દિલ્હી (દિલ્હી), ગુરુગ્રામ (હરિયાણા), ગંગાનગર (રાજસ્થાન), ભીવાડી (રાજસ્થાન), મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ), નોઇડા(ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. 

જેમાં દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. તેમજ ભારત 2024માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. વર્ષ 2023માં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2024માં PM (Particulate matter) 2.5 સાંદ્રતામાં 7%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 2023માં સરેરાશ 50.6 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. તેમ છતાં, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતમાં છે.

PM 2.5 શું છે?

2.5 માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો ફેફસાં અને લોહીમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થાય છે. આ વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બાળવાથી પણ થઈ શકે છે. 

વાયુ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા 

રિપોર્ટ અનુસાર, ભારતના 35% શહેરોમાં વાર્ષિક PM 2.5 સ્તર WHOની 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં 10 ગણું વધારે છે. દિલ્હી આખા વર્ષ દરમિયાન ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરે છે અને શિયાળામાં તે વધુ ખરાબ બને છે, જ્યારે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વાહનોનો ધુમાડો, પરાલી સળગાવવા, ફટાકડા ફોડવા અને અન્ય સ્થાનિક પ્રદૂષણ હવાની ગુણવત્તાને જોખમી બનાવે છે.

દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભારતના, આ શહેર તો દિલ્હીથી પણ આગળ 2 - image

Tags :