શિવાજીની મૂર્તિ તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયું, ઉદ્ધવ-શરદ પવારનો રસ્તા પર ઉતરીને આક્રમક વિરોધ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
શિવાજીની મૂર્તિ તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયું, ઉદ્ધવ-શરદ પવારનો રસ્તા પર ઉતરીને આક્રમક વિરોધ 1 - image


Image Source: X

Politics On Shivaji Statue: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું છે. આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માફી પણ માગી છે. પીએમ મોદીની માફી બાદ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો છે. એેક તરફ મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે તો I.N.D.I.A. ગઠબંધને આ મામલે સરકાર સામે મોરચો ખોલ્યો છે. મહાવિકાસ આઘાડીએ મેગા મુંબઈ પ્રોટેસ્ટનું એલાન કર્યું છે. બીજી તરફ વહીવટી તંત્રએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સત્તાધારી ભાજપ વિપક્ષના આ વિરોધનો જવાબ આપવા માટે અલગથી પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.

ઉદ્ધવ-શરદે માર્ગો પર ઊતરી બતાવ્યો 'પાવર' 

રવિવારે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ભારે પોલીસ દળ તેહનાત કરવામાં આવ્યું છે અને સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુતાત્મા ચોકથી શરૂ થનારા આ માર્ચમાં શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને NCP (શરદ પવાર) ચીફ શરદ પવાર પણ ભાગ લીધો છે. વિપક્ષે આ વિરોધને 'જોડે મારો' પ્રોટેસ્ટનું નામ આપ્યું છે. તેનો અર્થ થાય છે 'ચપ્પલ મારવી'.

શિવસેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના સ્વાભિમાનને જાગૃત કરવા અમે શિવાજીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પિત કરવા જઈ રહ્યા છીએ. શરદ પવારના જૂથ દ્વારા કહેવામાં આવ્યું કે ભ્રષ્ટ શિવ દેશદ્રોહીઓને બક્ષવામાં નહીં આવશે. કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે કહ્યું કે શિવ દેશદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જે 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી છે તેનું અનાવરણ ગત વર્ષે જ પીએમ મોદીએ કર્યું હતું. નેવીએ સરકાર સાથે મળીને આ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. પોલીસે આ મામલે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે. તેની સામે અન્યોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

વિપક્ષ બિનજરૂરી રાજકારણ રમી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું: ભાજપ

ભાજપનું કહેવું છે કે વિપક્ષ આ મામલે બિનજરૂરી રાજકારણ રમીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષ આગામી વિધાનસભાની ચૂંટણીના કારણે જ આ બાબતને મહત્વ આપી રહ્યું છે. ભાજપે કહ્યું કે વિપક્ષ શિવાજી પ્રત્યે જે પ્રેમ બતાવી રહ્યો છે તે માત્ર એક દેખાડો છે. રાહુલ ગાંધીએ પણ રાફેલ મામલામાં માફી માંગી હતી, તો ત્યારે આ લોકોએ વિરોધ પ્રદર્શન કેમ નહોતું કર્યું. શું વડાપ્રધાનની માફી પૂરતી નથી? ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પાર્ટીનો યુવા મોરચો આખા મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ પાસે વિરોધ પ્રદર્શન કરશે અને લોકોને જણાવશે કે, કોંગ્રેસ સરકારે શિવાજીના કિલ્લાને બચાવવા માટે કોઈ કામ નથી કર્યું.


Google NewsGoogle News