રાજકારણ એટલે ફક્ત 'પાવર પોલિટિક્સ', વર્તમાન સમયમાં રાજકારણનો અર્થ બદલાયો : ગડકરી
Nitin Gadkari on Politics: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ રાજકારણ પર પોતાનો મત રાખતા જણાવ્યું હતું કે, 'રાજકારણ વાસ્તવમાં સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને વિકાસનો પર્યાય છે, પરંતુ હાલમાં તેનો અર્થ માત્ર સત્તાનું રાજકારણ છે.'
નીતિન ગડકરીએ રાજકારણ વિષે પોતાનો મત જણાવ્યો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સન્માન સમારોહમાં કહ્યું હતું કે, 'રાજકારણમાં સમસ્યા વિચારોના તફાવતની નથી, પરંતુ વિચારોના અભાવની છે. રાજનીતિનો અર્થ થાય છે સામાજીકરણ (સામાજિક સેવા), રાષ્ટ્રીયકરણ (રાષ્ટ્ર નિર્માણ) અને વિકાસ. પરંતુ હવે રાજકારણની વ્યાખ્યા બદલીને માત્ર સત્તાકરણ (સત્તાનું રાજકારણ) થઈ ગઈ છે.
20 વર્ષ સુધી પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'જ્યારે અમે આરએસએસના કાર્યકર્તા હતા ત્યારે અમારે ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ન તો કોઈને અમારા પર વિશ્વાસ હતો કે ન તો સમ્માન હતું. હરિભાઉ બાગડેએ લોકોના કલ્યાણ માટે સમર્પણ સાથે કામ કર્યું છે. મે પાર્ટીના કાર્યકર તરીકે 20 વર્ષ સુધી વિદર્ભમાં પ્રવાસ કર્યો અને કામ કર્યું. ઈમરજન્સી પછી લોકો અમારી રેલીઓ પર પથ્થરમારો કરતા હતા, જે ઓટોરિક્ષાનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરતા તેને લોકો આગ ચાંપી દેતા હતા.'
આ પણ વાંચો: કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયા સામે FIR : ખુરશી જોખમમાં
હરિભાઉ બાગડેની સખત મહેનતની સરાહના કરી
નીતિન ગડકરીએ હાલની પરિસ્થિતિ વિષે વાત કરતા કહ્યું કે, 'હવે હજારો લોકો મને સંભાળવા આવે છે. આ મારી લોકપ્રિયતા નથી, પરંતુ હરિભાઉ બાગડે જેવા કાર્યકરોનું કામ છે. જેમણે સખત મહેનત કરી, પોતાનો જીવ જોખમમાં મુકીને પાર્ટીને આ પાર્ટીને આ મુકામે પહોંચાડી. પક્ષનો સારો કાર્યકર એ છે જે પક્ષમાં કંઈ ન મળે ત્યારે પણ સારું વર્તન કરે.'