સરકારી બંગલામાંથી AC, બેડ અને નળ કાઢીને લઈ ગયા તેજસ્વી યાદવ: ભાજપના આરોપો પર રાજકીય ઘમસાણ
Bihar Politics : બિહારમાં હવે ડેપ્યુટી સીએમના બંગલાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સરકારી બંગલો ખાલી કર્યો ત્યારે અહીંનો સામાન પણ સાથે લઈને ગયા હતા. બિહારના ભાજપ મીડિયા પ્રભારી દાનિશ ઈકબાલે તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો છે, આરજેડી નેતાએ જ્યારે 5 દેશરત્ન માર્ગ મકાન ખાલી કર્યું, તે સમયે તેઓ તેમની સાથે સરકારી આવાસનો બેડ, એસી અને બેસિન પણ નિકાળીને લઈ ગયા છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે, તેજસ્વી યાદવે સરકારી આવાસનો જીમનો સામાન પણ ગાયબ કરી દીધો છે. બેન્ડમિંટન કોર્ટનો ફ્લોર પણ નીકાળીને લઈ ગયા છે. એટલું જ નહીં વોશરુમના નળના નળ પણ લઈ ગયાનો આરોપ મુક્યો છે.
ભાજપે કહ્યું કે, તે ટૂંક સમયમાં જ મકાન બાંધકામ વિભાગ દ્વારા આપવામાં આવેલી વસ્તુઓની યાદી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે તેજસ્વી યાદવે બે દિવસ પહેલા જ આ ઘર ખાલી કર્યું છે. હવે આ નિવાસ વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને ફાળવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં નવા સમીકરણ, પીડીપી ચોંકાવનારું પગલું લેવાની તૈયારીમાં, ભાજપ ટેન્શનમાં!
લાલુ પરિવારને રાહત મળી
તમને જણાવી દઈએ કે, ગત સોમવારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આ કેસમાં લાલુ યાદવ, તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને જામીન આપી દીધા છે.
આરોપીઓને જામીન આપતાં કોર્ટે કહ્યું કે, તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કોર્ટ દરેકને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપે છે. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે રાબડી દેવી, હેમા યાદવ અને મીસા યાદવને જામીન આપવા માટે અગાઉના આદેશની જેમ જ નિર્દેશ આપી શકાય છે. આ પછી કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ મામલામાં આગામી સુનાવણી 25મી ઓક્ટોબરે થશે.