'તેમને ઝેર આપી મારી નાખ્યાં..' દિગ્ગજ નેતાએ મુખ્તાર અન્સારીને શહીદ ગણાવતાં રાજકારણ ગરમાયું
Image: Facebook
Lok Sabha Elections 2024: વારાણસીમાં પહેલી વખત ત્રીજા મોર્ચા તરીકે બનેલી PDM એટલે પછાત, દલિત અને મુસ્લિમની જનસભા શહેરના નાટી ઈમલીની બુનકર કોલોનીના મેદાનમાં યોજાઈ. આ જનસભાને સંબોધિત કરતા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપની સાથે વિપક્ષના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. સાથે જ તેમણે માફિયા મુખ્તાર અંસારીનો પણ ઉલ્લેખ કર્યો. ઓવૈસીએ મુખ્તાર અંસારીને શહીદનો દરજ્જો આપ્યો. એટલુ જ નહીં તેમણે મંચ પરથી અતીક અહેમદની હત્યા પર પણ પ્રશ્નો ઊભા કર્યાં. આ દરમિયાન જનસભામાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતાં.
પોતાના ભાષણની શરૂઆતમાં AIMIM ચીફે કહ્યું કે આ બનારસ મોદીનું નહીં ઉસ્તાદ બિસ્મિલ્લાહ અને તુલસીદાસ અને ગંગા જમુની તહજીબનું છે. PDM ન્યાય માટે બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં પછાત સમાજ માટે એક વિકલ્પ માટે બનાવવામાં આવ્યું છે. અમે 50 વર્ષથી વોટ આપનાર બન્યા, પરંતુ હવે અમે વોટ લેનાર બનીશું. સંઘ, ભાજપ, સમાજવાદી પાર્ટી કે અન્ય પાર્ટીઓ માત્ર ન્યાયની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેનો અમલ કરતી નથી.
ઓવૈસીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે જે (મુસ્લિમ) સપા માટે જીવ આપી રહ્યાં છે તેના જ પગમાં ગોળીઓ (એન્કાઉન્ટર) મારવામાં આવી રહી છે. અમારા જ ઘરને બુલડોઝરથી તોડવામાં આવી રહ્યું છે. પૂર્વ સાંસદ (અતીક) જે 10 સુરક્ષા કર્મચારીઓની સાથે ચાલી રહ્યા છે તેને કોઈ પણ નજીકથી ગોળી મારી દે છે પરંતુ આ બધા વિશે અખિલેશ એક શબ્દ નથી કહેતા. સમાજવાદી પાર્ટી એ ઈચ્છે છે કે તમે ભૈયા માટે જીવ કુરબાન કરો. દરી પાથરો. એક સમય એવો આવશે જ્યારે અખિલેશ યાદવ પોતે દરી પાથરશે અને તમારા માટે જીવ પણ આપશે.
ઓવૈસીએ કહ્યું, મુખ્તારનું નામ લઈને કહી રહ્યો છુ હુ કોઈના બાપથી ડરવાનો નથી. મુખ્તાર અંસારી એક માણસ હતો, જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો, તેને ઝેર આપીને મારી દેવાયો. તે શહીદ છે અને શહીદો વિશે કહેવામાં આવ્યુ છે કે શહીદોને મૃત ક્યારેય ન કહેવા તે જીવિત છે પરંતુ તેને બચાવવાની જવાબદારી ભાજપ સરકારની હતી અને તેમાં તે નિષ્ફળ સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે મુખ્તારનો વિસરા રિપોર્ટ આવ્યો હતો તેમાં ઝેર આપવાની પુષ્ટિ થઈ નહોતી પરંતુ આ રિપોર્ટ પર મુખ્તારના ભાઈ અફજાલ અંસારીએ પણ પ્રશ્ન ઊભા કર્યાં. ડોક્ટરના જણાવ્યા અનુસાર મુખ્તારના મોતનું કારણ હાર્ટ એટેક છે.
વિપક્ષ પર નિશાન સાધ્યું
ઓવૈસીએ કહ્યું, આ લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને એલાયન્સ કર્યું છે, જ્યારથી અમારુ પીડીએમ બન્યું છે ત્યારથી સમાજવાદી પાર્ટી અને અન્ય પાર્ટીઓ તરફથી અમારા લોકો પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે અમે ભાજપની B ટીમ છીએ. હુ અખિલેશ યાદવને પૂછવા માગુ છુ કે 2014ની ચૂંટણી હારી ગયા તો શું મોદી સાથે કરાર કર્યા હતા? 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા તો શું યોગી સાથે કોઈ ડીલ કરી લીધી હતી. તે બાદ પણ અખિલેશ હારી ગયા તો શું કોઈ તપાસ થશે આ ડીલ પર કે તમે ચૂંટણી કેમ હાર્યાં? અખિલેશનો અડધો પરિવાર નરેન્દ્ર મોદીની સાથે બેસીને ચા પીવે છે.