પુત્રની અશ્લીલ તસવીરો દિગ્ગજ નેતા માટે અવરોધ બની, વડાપ્રધાન પદ સપનું જ રહી ગયું
Lok Sabha Elections 2024: રાજકારણમાં પોતાના વિરોધીઓ અને પોતાને નડતા નેતાઓને સાઈડ લાઈન કરવા માટે, અથવા તો પોલિટિકલ બ્લેકમેઈલિંગ માટે ઘણી વખત વીડિયો અને ઓડિયો તો બહાર આવતા આપણે સાંભળ્યા છે. રાજકારણ સાથે અશ્લિલ વીડિયો પણ એટલા જ ગાઢ રીતે જોડાયેલા છે.
દેશ અને દુનિયામાં ચૂંટણી ટાણે અને સરકારને ભીંસમાં લેવા નેતાઓની આવી અશ્લિલ તસવીરો અને વીડિયો ફરતા હોય છે. આ વર્ષે ભારતમાં લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ આ ઘટનાએ રાજકીય ભૂકંપ લાવી દીધો છે.
એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલના અશ્લિલ વીડિયો આવ્યા બહાર
ભારતના પૂર્વ વડા પ્રધાનના પૌત્ર અને કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાના અશ્લિલ વીડિયો ફરતા થતાં રાજકીય વાતાવરણ મોટાપાયે ગરમાયું છે. સૂત્રોના મતે રેવન્ના દ્વારા હજારો મહિલાઓનું શોષણ કરાયું છે અને તેના વીડિયો ચૂંટણી ટાણે ફરતા થયા છે.
એનડીએના કર્ણાટકની જ એક બેઠકના ઉમેદવાર પ્રજ્વલના વીડિયો ફરતા થતાં એનડીએ ફિક્સમાં મુકાયું છે. બીજી તરફ પ્રજ્વલ ફરાર થઈને જર્મનીમાં સંતાઈ ગયાના અહેવાલો છે. હાલમાં કુમારસ્વામી અને એનડીએ દ્વારા પ્રજ્વલનો બચાવ કરાઈ રહ્યો છે પણ તે પૂરતો સાબિત થઈ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ પૂર્ણ થયું છે. આ મતદાન થવાનું હતું તેના કેટલાક દિવસ પહેલાં જ પ્રજ્વલના આવા વીડિયો ફરતા થયા હતા. પ્રજ્વલ કર્ણાટકની હાસન બેઠક ઉપરથી ઉમેદવાર હતા.
33 વર્ષિય પ્રજ્વલ પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પુત્ર રેવન્ના દેવગૌડાનો પુત્ર છે. તેના પિતા રેવન્ના દેવગૌડા ધારસભ્ય છે. બીજી તરફ પ્રજ્વલ ગત લોકસભામાં હાસન બેઠક ઉપરથી જ સાંસદ બન્યો હતો. આ વખતે પણ એનડીએ દ્વારા ગઠબંધન હેઠળ આ બેઠક ઉપરથી પ્રજ્વલને જ રીપીટ કરવામાં આવ્યો હતો.
મતદાનના થોડા દિવસ પહેલાં આ વીડિયો ફરતા થતાં રાજકીય ખળભળાટ મચ્યો છે પણ સવાલો પણ ઊભા થયા છે. કેટલાક જાણકારો માને છે કે, ચૂંટણી ટાણે જ આ વીડિયો શા માટે આવ્યા. જો આટલા સમયથી પ્રજ્વલ દ્વારા હજારો મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોય તો અત્યારે જ વીડિયો શા માટે સામે આવ્યો.
આ મુદ્દે કુમારસ્વામી બચાવમાં છે. તેમણે જણાવ્યું કે, પ્રજ્વલ જર્મની જતો રહ્યો તે અન્ય મુદ્દો છે અને આ વીડિયો ફરતા થયા તે અલગ વાત છે. આ વીડિયો મામલે તપાસમાં પ્રજ્વલની જરૃર પડી તો તે પાછો પણ આવશે.
તે વીડિયો બહાર આવતા ભાગી ગયો છે તે ખોટી માહિતી છે. બીજી તરફ ભાજપે આ મુદ્દે કિનારો કર્યો છે. ભાજપે આ મુદ્દે ટિપ્પણી કરવાની કે વિચાર રજૂ કરવાની મનાઈ કરી હતી.
મેનકા ગાંધીના પુત્ર વરુણની પણ સેક્સ ટેપનો હોબાળો થયો હતો
જગજીવન રામના પુત્રની જેવી રીતે નગ્ન તસવીરે સામે આવી હતી અને તેમાં મેનકા ગાંધીનું નામ ઉછળ્યું હતું. રાજકીય જાણકારો જણાવે છે કે, કોંગ્રેસના ઈશારે જ મેનકા ગાંધી અને તેમના મેગેઝિન દ્વારા જગજીવન રામના પરિવાર ઉપર લાંછન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ઘટના એવી પણ બની જેણે મેનકા ગાંધી અને તેમના પરિવારને ફિક્સમાં મૂકી દીધા.
મેનકા ગાંધીનો પુત્ર વરુણ ગાંધી 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર હતો. તેના માટે ભાજપના જ કાર્યકર્તાઓ અને વરુણના સમર્થકો ખૂબ જ આક્રમક હતા. તેઓ આ ચૂંટણીમાં વિજય બાદ વરુણ ગાંધીને સીએમ બનાવવાની માગણી કરી રહ્યા હતા.
આ બધા વચ્ચે વરુણ ગાંધીની એક સેક્સ ટેપ બહાર આવી હતી. તેનો એક વીડિયો ફરતો થયો હતો જેમાં તે રોમાનિયાની એક કોલ ગર્સ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો. આ વીડિયો ફરતો થતાની સાથે જ તેની રાજકીય કારકિર્દી સતત લથળતી અને કથળતી જોવા મળી હતી.
2019માં તેને સાંસદ તરીકે તક આપવામાં આવી હતી પણ કોઈ જવાબદારી અપાઈ નહોતી. આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તેનું પત્તુ જ કાપી નાખવામાં આવ્યું છે.
કર્ણાટક વિધાનસભામાં અશ્લિલ ફિલ્મો જોતા પકડાયા હતા ભાજપી નેતાઓ
કર્ણાટક ભાજપના નેતાઓ આ પહેલાં પણ અશ્લિલ કામગીરી કરતા પકડાયા હતા અને ચર્ચામાં આવ્યા હતા. લોકશાહીના મંદિર એવા વિધાનસભા ગૃહમાં ભાજપના કેટલાક નેતાઓ અશ્લિલ ક્લિપ જોતા હતા અને ત્યારે ગૃહમાં હાજર મીડિયા પર્સન દ્વારા આ વીડિયો રેકોર્ડ કરીને જારી કરવામાં આવ્યો હતો.
તેમાં ભાજપી નેતા સાવદી એક ક્લિપ જોતા હતા. ત્યારબાદ તેઓ પાટીલને પણ આ ક્લિપ બતાવતા હતા તેવું જોવા મળ્યા હતા. બીબીસીના અહેવાલ પ્રમાણે આ ક્લિપમાં કોઈ મહિલા ડાન્સ કરતી, કપડાં ઉતારતી અને ત્યારબાદ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધતી જોવા મળી હતી.
ભાજપના નેતાઓ આ ક્લિપ જોઈ રહ્યા હતા. આ ઘટના બાદ ભાજપની સ્થિતિ ઘણી કફોડી થઈ હતી. રાજકીય સ્તરે ત્યારે ભાજપને ઘણી નાલેશીનો સામનો કરવાનો આવ્યો હતો.
સૂર્યા મેગેઝિનમાં નગ્ન તસવીર છપાઈ અને જગજીવનરામ ફસાઈ ગયા
ભારતમાં ચૂંટણી ટાણે અથવા તો ચૂંટણી બાદ કે રાજકીય લાભ લેવા માટે આવી તસવીરો અને વીડિયો ફરતા કરવાનો સિલસિલો દાયકાઓથી રહ્યો છે. દેશમાં કટોકટી બાદ દેશમાં ચૂંટણીઓ થઈ હતી. તેના પરિણામો કોંગ્રેસ માટે આઘાતજનક હતા.
ત્યારબાદ આવેલા એક વીડિયોએ સત્તામાં આવેલા બિન કોંગ્રેસી ગઠબંધનની હાલત ખરાબ કરી નાખી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલી કટોકટીના વિરોધમાં દિગ્ગજ દલિત નેતા જગજીવન રામ કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
1977 બાદ લોકસભાની ચૂંટણી થઈ તેમાં જનતા પાર્ટી અને તેના ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે જનતા પાર્ટી દ્વારા સરકારની રચના કરવામાં આવી પણ તેમાં જગજીવન રામને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
જગજીવન રામને વડા પ્રધાન બનાવવાનો તખતો તૈયાર થઈ ગયો હતો. આ દરમિયાન સૂર્યા મેગેઝિન દ્વારા રાજકીય વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. સૂર્યા મેગેઝિન દ્વારા જગજીવન રામના પુત્ર સુરેશ રામની એક નગ્ન તસવીર છાપવામાં આવી હતી. આ તસવીર છપાતાની સાથે જ જગજીવનરામ અને જનતા પાર્ટી ફિક્સમાં મુકાઈ ગયા હતા.
જગજીવનરામને સંરક્ષણ મંત્રાલયથી સંતોષ માનવો પડયો હતો. સુરેશ રામની આ તસવીરે ફરતી થતાં તેમની પુત્રી પણ ક્ષોભમાં મુકાઈ ગઈ હતી. તે પણ જેએનયુમાં લેક્ચર લેવા જઈ શકે તેમ નહોતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે સૂર્યા મેગેઝિનમાં આ તસવીર છપાઈ ત્યારે તેના સંપાદક ઈન્દિરા ગાંધીની નાની પુત્રવધુ મેનકા ગાંધી હતા.
આ નેતાઓના વીડિયો અને ક્લિપ પણ ચર્ચાનો વિષય બન્યા હતા
સેક્સ સીડી, વીડિયો, ક્લિપ અને એમએમએસમાં કોંગ્રેસના નેતાઓ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું જ છે. એક ઘટનાની વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તત્કાલિન સમયમાં આંધ્ર પ્રદેશના તત્કાલીન રાજ્યપાલ એન.ડી. તિવારી પણ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા.
એક ટીવી ચેનલ દ્વારા તેમની ત્રણ મહિલાઓ સાથે આપત્તીજનક સ્થિતિમાં બેડ ઉપર ઉંઘતા હોવાના વીડિયો ફરતા કરવામાં આવ્યા હતા. આ વીડિયો અને સમાચારો આગની જેમ ફેલાયા બાદ કોંગ્રેસને નીચા જોણું થયું હતું. આ મુદ્દે એન.ડી. તિવારી દ્વારા જાહેરમાં માફી પણ માગવામાં આવી હતી.
ત્યારબાદ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજકીય એજન્ડાઓ પૂરા કરવા વિરોધીઓ દ્વારા તેમને ફસાવવામાં આવ્યા હતા. સેક્સ સીડી કાંડમાં ગુજરાતના 2005ના ગૃહ સચિવ સંજય જોશીનું નામ પણ આવ્યું હતું. તેઓ એક મહિલા સાથે આપત્તીજનક સ્થિતિમાં પકડાયા હોવાની ચર્ચા ચાલી હતી.
હરિયાણાના ગોપાલ કાંડાનો કિસ્સો પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. તેણે ગીતિકા શર્મા નામની કોઈ યુવતીને ફસાવીને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ સેક્સકાંડ જે-તે સમયે ખૂબ જ ગાજ્યો હતો. આ યુવતી દ્વારા આત્મહત્યા કરાઈ હતી અને તેમાં કાંડાનંણ નામ પણ લખવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોપાલ કાંડા ફસાયા હતા.
રાજસ્થાન કોંગ્રેસના તત્કાલીન મંત્રી મહિપાલ મદેરણા અને ભંવરી દેવીનો કિસ્સો પણ ખૂબ જ જાણીતો હતો. તેમાં મહિપાલ અને ભંવરી દેવી વચ્ચે શારીરિક સંબંધો હતા. ભંવરી દેવી દ્વારા તેની સીડી બનાવીને ફરતી કરાઈ હતી. તેના થોડા સમય બાદ ભંવરી દેવીની હત્યા થઈ હતી. આ કિસ્સો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો.
રાજસ્થાનના પૂર્વ ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બાબુલાલ નાગર સામે પણ એક મહિલા સાથે છેતરપીંડી અને બળજબરીથી શારીરિક સંબંધ બનાવવાનો કેસ સામે આવ્યો હતો. મધ્ય પ્રદેશના કોંગ્રેસી નેતા સત્યનારાયણ પટેલની પણ એક સેક્સ સીડી સામે આવી હતી. તેમાં પણ તેમને બિભત્સ સ્થિતિમાં જોવામાં આવ્યા હતા. આ સીડીએ પણ રાજકીય ભૂકંપ લાવી દીધો હતો.
કોંગ્રેસ નેતાની ચર્ચા તો ભાજપ નેતાને હાંકી કઢાયા
ચૂંટણીઓ ટાણે કે સરકારને ઉથલાવવા કે રાજકીય ભૂકંપ માટે અશ્લિલ વીડિયો અને એમએમએસનો ઈતિહાસ પણ લાંબો જ છે. વર્ષ 2012ની વાત કરીએ તો તે સમયે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ હતી. તે સમયે ચૂંટણીના કેટલાક મહિના પહેલાં જ કોંગ્રેસના નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીનો કથિત એમએમએસ સામે આવ્યો હતો.
ઈન્ટરનેટ ઉપર આ એમએમએસ ફરતો થયા બાદ આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ગાજ્યો હતો. તે સમયે ભાજપ દ્વારા સિંઘવી સામે ઘણા આરોપો મુકાયા હતા. તેમની કામગીરી છતી થઈ ગયાના અને બીજા ઘણા આરોપો મુક્યા હતા. તેના પછીના વર્ષે જ 2013ની મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને રાજકીય ભૂકંપનો સામનો કરવો પડયો હતો.
આ ચૂંટણી જાહેર થઈ તેના ચાર મહિના પહેલાં જ રાજ્યના તત્કાલિન નાણામંત્રી અને સિનિયર નેતા રાઘવજીની 22 સેક્સ સીડી ફરતી થઈ હતી. આ સીડીઓમાં રાઘવજી તેમના નોકર સાથે આપત્તીજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ સીડીકાંડ થતાં જ ભાજપ ભીંસમાં મુકાઈ ગયો હતો. ત્યારે રાઘવજીનું તાત્કાલિક રાજીનામુ લઈ લેવામાં આવ્યું હતું.
એટલું જ નહીં તેમને ભાજપમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. આ સીડી કાંડે રાઘવજીની રાજકીય કારકિર્દી પૂરી કરી નાખી હતી. નવાઈની વાત એ છે કે, આ કેસમાં 10 વર્ષ બાદ જબલપુર હાઈકોર્ટન સિંગલ બેન્ચ દ્વારા સુનાવણી સમયે રાઘવજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલની પણ કથિત સેક્સ ક્લીપો ફરતી થઈ હતી. મૂળ વાત એવી છે કે, ચૂંટણી ટાણે આવા વીડિયો, ક્લીપો અને સીડીઓ ફરતા થવા ઈતિહાસ રહ્યો છે.
આપના નેતા પણ સેક્સ કાંડમાં ફસાયા હતા
કેજરીવાલ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રહેલા સંદીપ કુમારનો એક આપત્તીજનક વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનામાં સંદીપ કુમારનો વીડિયો ફરતો થયો હતો અને કેજરીવાલ તથા આમ આદમી પાર્ટી ફિક્સમાં મુકાયા હતા. તેઓ એક મહિલા સાથે મોજ-મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ફરતો થયા બાદ કેજરીવાલ સરકાર ઘેરાઈ હતી. ત્યારબાદ સંદીપ કુમાર સામે પગલાં લેતા તેમને સરકારમાંથી હાંકી કઢાયા હતા અને પક્ષમાંથી પણ કાઢી મુકાયા હતા.
આ ઉપરાંત ગત વર્ષે આમ આદમી પાર્ટીના કેનેડાના એક નેતાનો અશ્લિલ વીડિયો ઈન્ટરનેટમાં ફરતો થયો હતો. જાણકારોના મતે આપની વેનકુંવરના ઉપાધ્યક્ષ જસવંતસિંહ અટવાલ એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા ત્યારે તેમની પત્ની જ ત્યાં પહોંચી ગઈ હતી. તેમની પત્નીએ જ આ લોકોના વીડિયો ઉતાર્યા હતા અને ત્યારબાદ ફરતા થયા હતા.
આ કેસમાં સામે આવ્યું હતું કે, જસવંતસિંહ દ્વારા એક યુવતીને છેતરવામાં આવી હતી. તેના પરિવારના લોકો મૃત્યુ પામ્યા હોવાની ખોટી વાતો કરીને તેની સાથે સંબંધ રાખવામાં આવ્યો હતો. જસવંત સિંહ દ્વારા પત્ની અને પુત્રી હોવા છતાં તેની પુત્રીની ઉંમરની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ વીડિયો અને ક્લીપ ફરતા થયા બાદ વિદેશમાં પણ આમ આદમી પાર્ટી ભીંસમાં આવી ગઈ હતી.