નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને કંગના રણૌતનો ટોણો

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને કંગના રણૌતનો ટોણો 1 - image


Kangana Ranaut on Shankaracharya Avimukteshwaranand: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી રહી છે. કંગનાએ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે.

નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે?

સાંસદ કંગના રણૌતે શંકરાચાર્ય પર કટાક્ષ કરતા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખતા કહ્યું કે 'સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાજકારણમાં ગઠબંધન, સમજૂતી અને પાર્ટી વિભાજન ખૂબ જ સામાન્ય અને બંધારણીય બાબતો છે. કોંગ્રેસ પાર્ટી 1907માં અને ફરીથી 1971માં વિભાજિત થઈ હતી.' કંગના અહીં સુધી જ નહોંતી અટકી અને વધુમાં કહ્યું હતું કે 'જો નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? 

શંકરાચાર્યજીએ ખોટા શબ્દો વાપર્યા

કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “શંકરાચાર્યજીએ ખોટા શબ્દો વાપર્યા છે. પોતાના પ્રભાવ અને ધાર્મિક ઉપદેશોનો દુરુપયોગ કર્યો છે. ધર્મ પણ કહે છે કે જો રાજા પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ જ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યજીએ આપણા મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી એકનાથ શિંદે પર અપમાનજનક શબ્દોથી દેશદ્રોહી અને વિશ્વાસઘાતી ગદ્દાર જેવા આરોપ લગાવીને આપણા સૌની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી તુચ્છ વાતો કહીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યાં છે.”

નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને કંગના રણૌતનો ટોણો 2 - image

શું છે સમગ્ર મામલો ?

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અનંત-રાધિકાને આર્શીવાર્દ આપ્યા બાદ શિવસેના (UBT) નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. આ વાર્તાલાપ બાદ સ્વામીજીએ કહ્યું હતું કે "ઉદ્ધવજી વિશ્વાસઘાતનો ભોગ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે સાથે દગો થયો છે અને તેનાથી ઘણા લોકો નાખુશ છે. હું આજે તેમની અરજી પર તેમને મળવા આવ્યો છું. ઉદ્ધવ જ્યાં સુધી ફરીથી મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી લોકોની પીડા ઓછી નહિ થાય."

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને નકારી કાઢનાર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પત્રકારોને જણાવ્યું હતુ કે, "જે વિશ્વાસઘાત કરે છે તે હિંદુ ન હોઈ શકે, જે વિશ્વાસઘાત સહન કરે છે તે હિંદુ છે. મહારાષ્ટ્રના તમામ લોકો આ વિશ્વાસઘાતથી નાખુશ છે અને તાજેતરની લોકસભા ચૂંટણીમાં તે જોવા પણ મળી ગયું છે."


Google NewsGoogle News