શિંદે અને પવારે માંગી માફી, ફડણવીસે નેવી પર ફોડ્યું ઠીકરું... શિવાજી મહારાજના સ્ટેચ્યૂ વિવાદ મુદ્દે બેકફૂટ પર NDA

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Ajit Pawar Eknath Shinde and Devendra Fadanvis



Shivaji Maharaj Statue Collapse Row: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટના બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં નેવી ડેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, બંને ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપે નારો પણ આપ્યો હતો કે પીએમ મોદી સાથે છત્રપતિના આશીર્વાદ છે. હવે અનાવરણના 8 મહિના બાદ પ્રતિમા પડી જવાના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.

મહાયુતિ સરકાર બેકફૂટ પર

છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડ્યા બાદ મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર તરફથી જે પ્રતિક્રિયા આવી છે તેમાં એકરૂપતા નથી. આ મામલે પહેલી પ્રતિક્રિયા સીએમ એકનાથ શિંદે તરફથી આવી હતી. તેમણે અગાઉ કહ્યું હતું કે, 'આ પ્રતિમા મહારાષ્ટ્ર સરકાર દ્વારા નહીં પણ નેવી દ્વારા બનાવવામાં આવી છે. નેવી ડે પર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અમે નૌકાદળને સમર્થન આપી રહ્યા હતા.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'ભારે પવનને કારણે આવું બન્યું હતું.' જો કે આ મામલે વિવાદ વધ્યા બાદ આજે (29 ઓગસ્ટ) સીએમ શિંદેએ માફી માંગી છે અને વહેલી તકે મોટી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ કંગનાને પુછો એને રેપનો અનુભવ છે, અકાલી નેતાનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં

અજિત પવારે પણ માફી માંગી

આ ઘટના અંગે અજિત પવારે બુધવારે (28 ઓગસ્ટ) એક જાહેર રેલીમાં કહ્યું હતું કે, 'તેઓ મહારાષ્ટ્રની જનતાની માફી માંગે છે, જે ઘટના બની તે ખોટી છે, તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને વહેલી તકે ત્યાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.'

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 'છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નૌકાદળ દ્વારા બનાવવામાં આવી હતી, શક્ય છે કે પ્રતિમાના નિર્માણ અને સ્થાપના માટે જવાબદાર વ્યક્તિઓએ પવનની વધુ ઝડપ અને લોખંડની ગુણવત્તા જેવા મહત્વના પરિબળોને અવગણ્યા હશે. દરિયાઈ પવનના સંપર્કમાં આવવાથી પ્રતિમાને કાટ લાગવાની શક્યતા પણ છે.'

આ પણ વાંચોઃ ભારત જોડો બાદ હવે ભારત 'ડોજો' યાત્રા કરશે રાહુલ ગાંધી, ખાસ વીડિયો શેર કરીને જુઓ શું કહ્યું

PWD વિભાગે FIRમાં શું કહ્યું?

જો કે, પ્રતિમાના પડી ગયા પછી, મહારાષ્ટ્ર સરકારના PWD વિભાગે FIR નોંધાવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, PWD વિભાગે પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ એક શિલ્પકારને આપ્યો હતો, જે થાણેનો રહેવાસી છે. બાદમાં એ પણ સામે આવ્યું કે પ્રતિમાની જાળવણીની જવાબદારી મહારાષ્ટ્ર સરકારના PWD વિભાગની છે. જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે તેના પરથી હાથ અધ્ધર કરવાનો અને નૌકાદળ પર જવાબદારી મુકવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે સરકાર સામે ત્રણ પ્રશ્નો

આ મામલે સરકાસ પાસે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પહેલું, શું પ્રતિમા ઉતાવળમાં સ્થાપિત કરવામાં આવી હતી? બીજું, વડાપ્રધાન પોતે પ્રતિમાનું અનાવરણ કરવા આવ્યા હતા તો શું ભાજપ-એનસીપી અને શિવસેનાએ રાજકીય લાભ માટે આવું કર્યું હતું? અને ત્રીજો પ્રશ્ન, જો પ્રતિમા 8 મહિનામાં પડી ગઈ તો શું મૂર્તિ યોગ્ય રીતે બનાવવામાં આવી નહોતી કે કોન્ટ્રાક્ટ આપવામાં કોઈ ગેરરીતિ થઇ હતી?


Google NewsGoogle News