બિહારમાં રાજકારણ ગરમાયું, પટણામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક

એક-બે દિવસમાં બિહારમાં JDU અને NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
બિહારમાં રાજકારણ ગરમાયું, પટણામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક 1 - image


Bihar Politics : બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

બિહારની રાજકીય સ્થિતિ પર તાવડેએ શું કહ્યું?

બિહારમાં રાજકીય ગરમાગરમી છે ત્યારે આ અંગે જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડેને બિહારની રાજકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'આગામી લોકસભા ચૂંટણી પર ચર્ચા કરવા માટે બિહાર ભાજપના નેતાઓની બેઠક થઈ રહી છે.' જણાવી દઈએ કે બિહાર ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક 27 અને 28મી જાન્યુઆરીએ પટનામાં બોલાવવામાં આવી છે.

તેજસ્વી રાજભવનના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા

રાજ્યપાલ દ્વારા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં આપવામાં આવેલી ટી પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પણ હાજરી આપવાના હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. હાલની રાજકીય પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી રાજભવન ખાતેના કાર્યક્રમમાં હાજર ન રહેતા ચર્ચાનો વિષય બન્યા છે. 

હાલમાં જેડીયુ પાસે 45 ધારાસભ્યો

બિહારમાં હાલમાં JDU પાસે 45 ધારાસભ્યો છે, BJP પાસે 76 અને HAM પાસે 4 ધારાસભ્યો છે, જે કુલ મળીને 125 ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 122ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બિહારમાં રાજકારણ ગરમાયું, પટણામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક 2 - image


Google NewsGoogle News