પહેલા રાજ ઠાકરે હવે શરદ પવાર...: વિરોધી નેતાઓને કેમ મળી રહ્યા છે મહારાષ્ટ્રના CM શિંદે?
Eknath Shinde Meets Sharad Pawar: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય હિલચાલ વધી ગઇ છે. તાજેતરમાં ઘણાં નેતાઓ અન્ય પક્ષના નેતાઓ સાથે મળતા દેખાયા છે. આ દરમિયાન હવે એનસીપી-એસપી (NCP-SP) પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે તેમના સરકારી નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ તે અંગે અત્યારે કોઇ જાણકારી સામે આવી નથી. આ ઉપરાંત શરદ પવાર પહેલાં એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતો બાદ વિવિધ અટકળોએ જોર પકડ્યું છે અને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
અગાઉ ફડણવીસ સાથે દેખાયા હતા ઉદ્ધવ ઠાકરે
જૂનમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના રાજકીય વિરોધી ઉદ્ધવ ઠાકરે એક જ લિફ્ટમાં જતા દેખાયા હતા. આ મુલાકાત પણ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી. મિત્રમાંથી દુશ્મન બનેલા આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ હતી તે અંગે રાજકારણ ગરમાયું હતું. વિધાનસભા ચૂંટણી યોજાવામાં માત્ર ત્રણ મહિના બાકી છે અને આ ચૂંટણીમાં છ પ્રમુખ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરશે. આ સંજોગોમાં, આવી મુલાકાતોએ રાજકીય નિષ્ણાતોનો રસ વધાર્યો છે.
આ પણ વાંચોઃ 'રામના અસ્તિત્વના પુરાવા જ નથી...': વધુ એક નેતાના વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
પાછલા એક મહિનાથી ઘણાં નેતાઓ પાર્ટી લાઇનથી હટીને અન્ય પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરતાં દેખાયા હતા. તાજેતરમાં આ પ્રકારની પાંચથી વધુ ઘટનાઓ સામે આવી છે. જેથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂની થવાની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે, તેમજ વિવિધ અન્ય અટકળોએ પણ જોર પકડ્યું છે. પક્ષના જ સભ્યો તેમના નેતાઓ સામે સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય નિષ્ણાતો પોતપોતાની રીતે આ મામલે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં સગીરા પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડૉઝર ફરી વળ્યું
નિષ્ણાતોનું શું માનવું છે?
આ મામલે રાજકીય નિષ્ણાતોમાં મિશ્ર મત જોવા મળી રહ્યો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, નેતાઓ પોતાના પક્ષને સંદેશ આપવા અથવા ભવિષ્યની રાજકીય સંભાવનાઓ શોધવા માટે આવી મુલાકાતો કરી રહ્યા છે. ત્યાં જ અન્ય કેટલાક નિષ્ણાતોના મતે, થોડાક સમય પહેલા સુધી મહારાષ્ટ્રના રાજકીય સંસ્કૃતિ એવી હતી કે કટ્ટર રાજકીય વિરોધીઓનો પણ વ્યક્તિગત કાર્યક્રમોમાં મળવું કે એકબીજા સાથે મુલાકાત કરવી સામાન્ય વાત હતી. પરંતુ, પાછલા ચાર-પાંચ વર્ષોથી આ સંસ્કૃતિ બદલાઇ ગઇ છે. વિવિધ પક્ષોમાં ભાગલા પડી ગયા છે, ખૂબ જ અસ્થિરતા સર્જાઇ છે નેતાઓના પક્ષપલટાની સંભાવનામાં વધારો થયો છે. આ કારણે હવે સાધારણ મુલાકાતો પાછળ પણ અટકળો થવા લાગે છે.