અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ
Allu Arjun 14 Days Jail: ફિલ્મ પુષ્પા-2થી સિનેમા જગતમાં હલચલ મચાવી દેનારા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક મહિલાની મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે. એક્ટરને 174 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની ધરપકડ પર હવે રાજકારણ પર ગરમાયું છે. જગન મોહન રેડ્ડીની YSRCP અને BRS જેવી રાજકીય પાર્ટીઓએ આ ધરપકડને ખોટી જણાવી છે.
વિપક્ષી પાર્ટીઓએ કર્યો હુમલો
અલ્લુ અર્જુનની ધરપકડ પર YSRCPના નેતા લક્ષ્મી પાર્વતીએ કહ્યું, 'અલ્લુ અર્જુનની ધરપકડ દુઃખદ છે અને આ મામલે ચંદ્રબાબુ નાયડુનો હાથ છે. અલ્લુ અર્જુન જોવા ગયો હતો કે, ફિલ્મ કેવી છે. પરંતુ, આ સરકાર એટલી નકામી છે કે, અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો તો સુરક્ષાની પર્યાપ્ત સુવિધા ન કરી શકી. અલ્લુ અર્જુને કંઈ ખોટું નથી કર્યું. કંદુકુર, પુષ્કરમ અને રાજમુંદરીમાં થયેલા અકસ્માત માટે કેટલીવાર ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી? ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેમના તેલંગાણામાં સમર્થક છે.'
વળી, અલ્લુ અર્જુનની ધરપકડ પર ભારતીય રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ એક્ટરના બચાવમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, એક અસુરક્ષિત નેતા હંમેશા તેમની આસપાસના લોકોને દબાવે છે.
કેટી રામારાવે એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'નાસભાગમાં મૃત્યુ પામેલા લોકો સાથે મારી સાંત્વના છે, પરંતુ હકીકતમાં ભૂલ કોની છે? અલ્લુ અર્જુનની સાથે કોઈ ગુનેગારની જેમ વર્તન કરવું ખોટું છે. એ પણ એવી વસ્તુ માટે, જેમાં તેનો કોઈ હાથ જ નથી. સન્માન અને માનવીય વર્તનની જગ્યા હંમેશા હોય છે. હું સરકારના આ વર્તનની નિંદા કરુ છું. તેમ છતાં જો કોઈ આવા લોજિક સાથે ચાલે તો રેવંત રેડ્ડીની હૈદરાબાદમાં નિર્દોષ લોકોની મોતના મામલે ધરપકડ થવી જોઈએ.'
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુન તો માત્ર મહોરું! પૂર્વ CMના પુત્રની ધરપકડની ચાલી રહી છે તૈયારી: રિપોર્ટ
શું છે સમગ્ર મામલો?
4 ડિસેમ્બરે સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મની ચોથી ડિસેમ્બરે હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં યોજાયેલી સ્ક્રીનિંગમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. જેમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી.