Get The App

તેરી ભી ચુપ મેરી ભી ચુપ : ક્રિમિનલ કેસ છતાં ઘણાં ઉમેદવાર બનાવ્યાં, સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા રાજકીય પક્ષો

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
તેરી ભી ચુપ મેરી ભી ચુપ : ક્રિમિનલ કેસ છતાં ઘણાં ઉમેદવાર બનાવ્યાં, સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા રાજકીય પક્ષો 1 - image


Delhi Election and Supreme Court News | રાજકીય પક્ષોએ ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી તેના કારણો જાહેર કર્યા હતા. જેમાં મોટાભાગના પક્ષોનો દાવો હતો કે ક્રિમિનલ કેસો રાજકારણથી પ્રેરિત હોવાને કારણે અમે આવા ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ માહિતી તાજેતરમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડેલા ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને એડીઆરે જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ ઘણા મામલામાં પક્ષોએ ક્રિમિનલ કેસોવાળા ઉમેદવારોને પસંદ કર્યા તેનું એક કારણ અન્ય ઉમેદવારોનું સ્થાનિક લોકો સાથે જોડાણ ના હોવાનું પણ જણાવ્યું હતું.  

મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને 1286 ઉમેદવારો તરફથી મળેલા ફોર્સ સી૭નો અભ્યાસ એડીઆર દ્વારા કરવામાં આવ્યો હતો. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને પસંદ કેમ કરાયા તેના જે કારણો રાજકીય પક્ષો દ્વારા અપાયા છે તેમાં સુપ્રીમ કોર્ટના આદેશના અમલની ઉણપ જોવા મળી રહી છે. સુપ્રીમના આદેશ મુજબ રાજકીય પક્ષોએ ક્રિમિનલ રેકોર્ડ છતા તેવા ઉમેદવારોને પસંદ કર્યા તેની વિગતવાર કારણો સાથે માહિતી આપવાની રહે છે. 

એડીઆર રિપોર્ટ જણાવે છે કે વિગતવાર કારણો આપવાના બદલે મોટાભાગના રાજકીય પક્ષોએ માત્ર એમ કહીને હાથ ઉંચા કરી લીધા કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો સામેના કેસો રાજકીય છે, ઉમેદવાર યુવા અને ઉત્સાહિત છે માટે તેને ટિકિટ આપવામાં આવી છે. સુપ્રીમનો આદેશ છતા પણ મહારાષ્ટ્રમાં 29 ટકા અને ઝારખંડમાં 20 ટકા ઉમેદવારોએ ક્રિમિનલ રેકોર્ડ સાથે કેમ તેમને ટિકિટ અપાઇ તે અંગે યોગ્ય કારણો પ્રકાશિત નહોતા કર્યા તેનાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. 

મહારાષ્ટ્રના રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર દિગંબર રોહિદાસ સામે 35 ક્રિમિનલ કેસો છે છતા તેને ટિકિટ આપવા પાછળના કારણ આપતા પક્ષે દાવો કર્યો છે કે રોહિદાસ ગરીબો માટે મદદ કરનારા પ્રભાવી નેતા છે. તેવી જ રીતે કોંગ્રેસના સંજય ચંદુકાકા સામે ૨૭ અને બન્ટી બાબા સામે 26 ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. જોકે પક્ષનો દાવો છે કે ઉમેદવારની સામે ક્રિમિનલ કેસો છે પરંતુ તેનામાં વહિવટનો સારો અનુભવ છે. આ ક્રિમિનલ કેસો રાજકીય કિન્નાખોરીથી દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર જુથના એનસીપીએ અને ઉદ્ધવ જુથના શિવસેનાએ ક્રિમિનલ કેસોવાળા ઉમેદવારોને પસંદ કેમ કર્યા તેના કારણો આપવામાં નિષ્ફળ રહ્યા, તેવી જ રીતે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાએ પણ આ વિગતો ના આપી. 

મહારાષ્ટ્રમાં 1052 માંથી 503 એટલે કે 48 ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા હતા, જેમાં 35 ટકા કેસો ગંભીર ગુનાના છે. ઝારખંડમાં ૨૩૪માંથી ૧૦૫ ઉમેદવારોએ ક્રિમિનલ કેસોની માહિતી આપી હતી જેમાં 35 ટકા કેસો ગંભીર ગુના સાથે જોડાયેલા છે. ભાજપના ઉમેદવાર બાબુલાલ મરાંડી સામે 15 ક્રિમિનલ કેસો હતા, છતા તેને સમાજ સેવક ગણાવીને કેસોને રાજકીય કિન્નાખોરી ગણાવી ધ્યાન પર નહોતા લેવાયા. મહારાષ્ટ્રમાં 83 ટકા ઉમેદવારો કરોડપતિ હતા જ્યારે ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવારો સૌથી ધનવાન છે.   

2009થી અત્યાર સુધી ક્રિમિનલ કેસોવાળા સાંસદોમાં 124 ટકાનો વધારો

રિપોર્ટ મુજબ વર્ષ 2009થી અત્યાર સુધીમાં ક્રિમિનલ કેસો ધરાવતા સાંસદોની સંખ્યામાં 124 ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષની લોકસભાની ચૂંટણીમાં 170(31 ટકા) જીતી રહેલા ઉમેદવારોએ તેમની સામે ગંભીર ગુનાના કેસો હોવાની માહિતી આપી હતી જેમાં રેપ, હત્યા, હત્યાનો પ્રયાસ જેવા ગુનાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 2019માં આ સંખ્યા 159 (29 ટકા) હતી, 2014માં 112 (21 ટકા) અને 2009માં 76 (14 ટકા) હતી. આ રિપોર્ટ મુજબ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોના જીતવાની શક્યતાઓ 15 ટકા જ્યારે સ્વચ્છ છાપ ધરાવતા ઉમેદવારોની જીતવાની શક્યતાઓ 4.4 ટકા છે. 18મી લોકસભામાં ભાજપના 240 વિજેતા ઉમેદવારોમાંથી 94 સામે ક્રિમિનલ કેસો છે જે સૌથી વધુ છે. કોંગ્રેસના આવા ઉમેદવારોની સંખ્યા 49 હતી અને સપાની 21 હતી.

હાલના 151 સાંસદો અને ધારાસભ્યો સામે મહિલા વિરુદ્ધના ગુનાના કેસો દાખલ

નવી દિલ્હી : નેતાઓ સામે ગમે તેવા ગંભીર કેસો હોય તો પણ તેને દુધે ધોયેલા જાહેર કરવા પક્ષો હવાતિયા મારતા હોય છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ વર્તમાન 151 સિટિંગ ધારાસભ્યો અને સાંસદોની સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધોના કેસો ચાલી રહ્યા છે. આવા કેસો ધરાવતા જન પ્રતિનિધિઓમાં ભાજપ ટોચના સ્થાને છે જ્યારે રાજ્યોમાં બંગાળ મોખરે છે. ન્યૂ ઇલેક્શન વોચ અને એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ગયા વર્ષે 21મી ઓગસ્ટે જાહેર થયેલા રિપોર્ટ મુજબ 4809માંથી 4693 સાંસદો અને ધારાસભ્યોના સોગંદનામાની ચકાસણી કરાઇ હતી. જેમાં ૧૬ વર્તમાન સાંસદો અને ૧૩૫ ધારાસભ્યો સામે મહિલાઓ પરના અપરાધોના કેસો ચાલી રહ્યા છે. પક્ષો પર નજર કરીએ તો ભાજપના આવા 54, કોંગ્રેસના 23 અને ટીડીપીના 17 નેતાઓનો સમાવેશ થાય છે. ૧૫૧માંથી ૧૬ સામે રેપનો કેસ ચાલી રહ્યો છે. જેમાં બે સાંસદો અને ૧૪ ધારાસભ્યો છે. 


Google NewsGoogle News