હરિયાણામાં રાજકીય ડ્રામા : ખટ્ટર પાસે રાજીનામુ લેવાયું, સૈની નવા સીએમ
- ચૌટાલાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખતા નવો વળાંક
- ખટ્ટરે રાજીનામુ આપ્યાના થોડા જ કલાકો બાદ સૈનીએ મુખ્યમંત્રી પદે શપથ લીધા, કેબિનેટમાં પણ મોટા ફેરફાર
- ખેડૂતો અને જાટોનું આંદોલન, રામ રહિમનો વિવાદ જેવા મુદ્દાથી થનારા નુકસાનથી બચવા ઓબીસી નેતાને કમાન
નવી દિલ્હી : ભાજપ હાઇકમાન્ડે હરિયાણાને લઇને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. અચાનક જ મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. અને પ્રદેશ પ્રમુખ નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે. હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તુટી ગયું છે. અને હાલ અપક્ષના ટેકા સાથે ભાજપ સરકાર ચલાવી રહી છે. લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થશે જે બાદ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં ભાજપે એન્ટિઇકમ્બન્સીને ટાળવા માટે અચાનક જ મુખ્યમંત્રીને બદલી નાખ્યા છે. નવા મુખ્યમંત્રી નાયબ સૈની ઓબીસી હોવાથી ઓબીસી મતદારોને અકર્ષવા માટે પણ આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ જેજેપીએ બેઠકો માગી તે ના મળી, જેને કારણે તેને ટેકો પરત ખેંચી લીધો અને ગઠબંધન તુટી ગયું. આ સાથે જ જેજેપીના પ્રમુખ અજય ચૌટાલાએ પણ સરકારમાંથી રાજીનામુ આપી દીધુ હતું. હરિયાણાની કુલ ૯૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૪૧, ચૌટાલાના જેજેપી પાસે ૧૦ બેઠકો છે. બહુમત માટે ૪૬ બેઠકો જોઇએ, જોકે ચૌટાલાએ ટેકો પરત ખેંચી લીધો છે. તેમ છતા ભાજપની સરકાર છ અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ટકી રહી છે. ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત અને ઉત્તરાખંડની જેમ હરિયાણામાં પણ અચાનક જ મુખ્યમંત્રી બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાતમાંથી વિજય રુપાણી જ્યારે ઉત્તરાખંડમાં તીરથસિંહને હટાવાયા હતા.
ખેડૂતોનું આંદોલન, રામ રહીમની ધરપકડ, જાટોનું આંદોલન વગેરે મુદ્દાઓને કારણે ખટ્ટર સરકાર સામે એન્ટિઇંકમ્બસી બની હતી. જેનાથી લોકસભા અને ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાનની ભીતિ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખટ્ટર પાસેથી મુખ્યમંત્રીનુ પદ લઇ લેવામાં આવ્યું છે. હજુ એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનોહરલાલ ખટ્ટરના વખાણ કર્યા હતા અને તેમને સારા મુખ્યમંત્રી પણ ગણાવ્યા હતા. એવામાં બીજા જ દિવસે હાઇકમાન્ડ દ્વારા તેમને હટાવીને સૈનીને મુખ્યમંત્રી બનાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. નાયબ સૈની ઓબીસી નેતા છે. જ્યારે મનોહરલાલ ખટ્ટર જાટ સમાજમાં આવી છે. હરિયાણામાં ૨૭ ટકા જાટ મતદારો છે, જે કોંગ્રેસ, જેજેપી અને આઇએનએલડી વચ્ચે વહેચાયેલા છે. એવામાં જાટ મતદારો ત્રણ હિસ્સામાં વહેંચાઇ જાય તો પણ ઓબીસી મતદારોનો ફાયદો થશે તેવી આશા સાથે ભાજપે ઓબીસી ચેહરાને મુખ્યમંત્રી બનાવ્યા છે. મંગળવારે મનોહરલાલ ખટ્ટર અને કેબિનેટના ૧૩ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. જે બાદ નાયબ સૈનીએ અન્ય ધારાસભ્યોની સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ હરિયાણા સરકારની કેબિનેટમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.