શું હરિયાણામાં બહુમતીનો આંકડો ગુમાવ્યા બાદ ભાજપ સરકાર પડી ભાંગશે? જાણો બેઠકોનું ગણિત
Haryana Political Crisis : લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સત્તાધારી BJP સરકારમાંથી સમર્થન પરત ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં ભાજપ સરકારે બહુમતીનો આંકડો પણ ગુમાવ્યો છે. ત્રણેય ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (CM Nayab Singh Saini)ના નેતૃત્વ હેઠળની સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લેવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે. ત્રણેય ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે, તેઓએ ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના બાદ હવે રાજ્યની વિધાનસભા બેઠકોનું ગણિત બદલાઈ ગયું છે.
હરિયાણા વિધાનસભા બેઠકોનું ગણિત
હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે, જેનો જાદુઈ આંકડો 46 છે. એટલે રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 46 ધારાસભ્યોની જરૂર છે. જોકે રાજ્યની બે બેઠકો ખાલી છે, તેથી હાલ જાદુઈ આંકડો 45 છે.
વર્તમાન બેઠકોની વાત કરીએ તો, ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પરત ખેંચી લીધા બાદ ભાજપે બહુમતીનો આંકડો ગુમાવ્યા છે. ભાજપ પાસે પોતાના 40 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભાજપને બે અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાનું સમર્થન મળેલું છે. આ મુજબ ભાજપ સરકાર પાસે 43 ધારાસભ્યોનો ટેકો છે.
બીજીતરફ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ધારાસભ્યોની વાત કરીએ તો કોંગ્રેસ પાસે પોતાના કુલ 30 ધારાસભ્યો છે, જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તેથી કોંગ્રેસ પાસે હવે કુલ 33 ધારાસભ્યોનું સમર્થન છે.
આ ઉપરાંત રાજ્યમાં JJP પાસે 10, એક INLDનો અને એક અપક્ષ ધારાસભ્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અપક્ષ ધારાસભ્ય પણ કોંગ્રેસને સમર્થન આપી શકે છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, હાલ ભાજપ સરકારે બહુમતીનો આંકડો ગુમાવ્યો છે.
ત્રણ ધારાસભ્યોએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેચ્યું
ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનની ઉપસ્થિતિમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધર્મપાલ ગોંદરે ભાજપમાંથી સમર્થન પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગોંડરે કહ્યું હતું કે, ‘અમે સરકારમાંથી સમર્થન પરત ખેંચી રહ્યા છે. અમે કોંગ્રેસનો સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતો સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને કારણે આ નિર્ણય લીધો છે.’
હરિયાણામાં તુરંત વિધાનસભાની ચૂંટણી યોજાવી જોઈએ : ઉદય ભાન
આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને કહ્યું હતું કે, ’હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બે બેઠકો ખાલી પડી હોવાથી, રાજ્યની વર્તમાન વિધાનસભાની તાકાત 88 બેઠકોની છે. આ 88 બેઠકોમાંથી ભાજપના 40 સભ્યો છે. અગાઉ ભાજપ સરકારને જેજેપી ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ સમર્થન પરત ખેંચી લીધું હતું અને હવે અપક્ષ ઉમેદવારો પણ સમર્થન પરત ખેંચી રહ્યા છે. નાયબ સિંહ સૈનીની સરકાર હવે લઘુમતી સરકાર બની ગઈ છે, તેમણે બહુમતી ગુમાવી દીધી છે. સૈનીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમને એક મિનિટ પણ રહેવાનો અધિકાર નથી. હવે વિધાનસભા ચૂંટણી તુરંત યોજાવી જોઈએ.’ ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી દાવો કર્યો છે કે, ભાજપની સરકાર જાદુઈ આંકડાથી નીચે આવી ગઈ છે.’
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
કેટલાક અપક્ષ ધારાસભ્યોએ હરિયાણા સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હોવા અંગે અને કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાના અહેવાલો અંગે જ્યારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પ્રશ્ન પૂછાયો તો તેમણે કહ્યું કે, ‘મને આ માહિતી મળી છે. કદાચ કોંગ્રેસ હવે કેટલાક લોકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને લોકોની ઈચ્છા સાથે કોઈ લેવાદેવા નથી.’