ભાજપે કેજરીવાલની પોલ ખોલી ! દાવા સાથે જૂનો VIDEO શેર કરી કહ્યું, ‘AAP અમારી યોજનાઓ...’
Delhi Politics : દિલ્હીમાં 2025ની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલાં જ અહીંનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ તમામ પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઇ ગયો છે. આ દરમિયાન ભાજપે જૂનો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો છે.
ભાજપ સાંસદનો મોટો દાવો
ભાજપ સાંસદ મનોજ તિવારીએ દાવો કરતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં તે જ કરી રહ્યા છે જે ભાજપ પોતાના રાજ્યોમાં કરી રહ્યું છે. કેજરીવાલ 10 વર્ષથી સત્તામાં છે પણ તેમણે અત્યાર સુધીમાં કોઇ મહિલાને 10 રૂપિયા પણ ન આપ્યા કે ન તો તેમને કોઇ લાભ આપ્યો. તેમને મહિલાઓને સહાય જ કરવી હતી તો પહેલા જ 2100 રૂપિયા આપી દેવા જોઇતા હતા, પરંતુ હવે સરકારના અંતિમ તબક્કામાં આવી જાહેરાત કેમ કરી રહ્યા છે?
કેજરીવાલે કર્યો પલટવાર
ભાજપ સાંસદના દાવા બાદ અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'આજે મને કોઇએ ભાજપના એક સીનિયર નેતાનો વીડિયો મોકલ્યો છે. તેમાં તેઓ મારા પર આરોપ લગાવી રહ્યા છે કે અમે મહિલાઓ માટે કોઇ લાભદાયક કાર્ય કર્યો નથી. જોકે, તેઓ પોતે જ તેમના સંકલ્પ પત્ર અને મેનિફેસ્ટોમાં ગેરંટી આપી રહ્યા છે કે, કેજરીવાલ તમને જે આપી રહ્યા છે, અમે એનો પાંચ ગણો આપીશું.'
ભાજપ પાસે કોઇ વિઝન નથીઃ કેજરીવાલ
કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'દેશના 20 રાજ્યોમાં તમારી સરકાર છે. ત્યાં પાંચ ગણો નહીં તો માત્ર અમે દિલ્હીમાં જે કાર્ય કરી રહ્યા છે, તેનો માત્ર 50 ટકા જ કાર્ય કરી આપો. ભાજપ પાસે મને ગાળ આપવા સિવાય કોઇ નેરેટિવ નથી, દિલ્હીના લોકો માટે તેમની પાસે કોઇ પ્લાન કે વિઝન નથી છે. તેઓ માત્ર સત્તા મેળવવા માગે છે.'