VIDEO : ખેડૂત આંદોલનમાં પોલીસનો ગજબનો અંદાજ, પહેલા ફૂલો વરસાવ્યા પછી ઝીંક્યા અશ્રુ ગેસના સેલ
Farmer Protest Punjab-Haryana Border : ખેડૂતના ‘દિલ્હી ચલો’ આંદોલનના કારણે પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર પર હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. દિલ્હી કૂચ કરવા માટે ખેડૂતો બોર્ડર પરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ પોલીસનો કાફલો તેમને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજે (8 ડિસેમ્બર) પણ બોર્ડર પર સ્થિતિ બેકાબુ જોવા મળી હતી. અહીં પોલીસનો ગજબનો અંદાજ જોવા મળ્યો હતો, જેમાં પોલીસે પહેલા દેખાવો કરી રહેલા ખેડૂતો પર ફૂલો વરસાવ્યા, ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
પોલીસે ખેડૂતોને ટ્રેપમાં ફસાવ્યા
બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું છે કે, ‘અમે આજે જૂથ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે અને બેઠક બાદ આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’ તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘પોલીસે ફૂલો વરસાવ્યાના બે મિનિટ બાદ અશ્રુ ગેસના સેલ છોડીને ભોળા ખેડૂતોને ટ્રેપમાં ફસાવી હુમલો કર્યો છે. આ ઘટનામાં 8થી 9 ખેડૂતોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત ખેડૂતોને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.’
‘સરકાર અમારી માંગણીઓને નજરઅંદાજ ન કરે’
દિલ્હી ચલો આંદોલન હેઠળ હજારો ખેડૂતો પંજાબ-હરિયાણાની બોર્ડર પરથી દિલ્હી જવાનો પ્રયાસ કરી હ્યા છે. દેખાવો કરી રહેલા ખેડૂતો MSPની કાયદાકીય ગેરંટી અને કૃષિ કાયદો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ શાંતિથી દેખાવો કરી રહ્યા છે, પરંતુ જો અમારી માંગણીઓને નજરઅંદાજ કરવામાં આવશે તો અમારુ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. પોલીસે ખેડૂતોને શંબૂ બોર્ડર પર આટકાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ખેડૂતો પાસે આગળ જવાની મંજૂરી નથી. બીજીતરફ ખેડૂતોનું કહેવું છે કે, તેઓ દેખાવો કરવા માટે સ્વતંત્ર છે.