શ્રદ્ધા હત્યા કેસ : પોલીસને મહરૌલીના જંગલમાંથી ખોપડી અને જડબુ મળ્યા

પોલીસે મહરૌલીનું તળાવ ખાલી કરાવવાનું શરૂ કર્યું, શ્રદ્ધાના મિત્રોની પૂછપરછ કરાઈ, આફતાબનો પરિવાર લાપતા થયો

દિલ્હી પોલીસ નાર્કો ટેસ્ટ પછી વધુ રિમાન્ડ માગે તેવી શક્યતા

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
શ્રદ્ધા હત્યા કેસ : પોલીસને મહરૌલીના જંગલમાંથી ખોપડી અને જડબુ મળ્યા 1 - image


નવી દિલ્હી, તા.૨૦

શ્રદ્ધા હત્યાકાંડ કેસમાં રવિવારે તપાસ દરમિયાન દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. મહરૌલીના જંગલમાં દિલ્હી પોલીસને માનવ ખોપડી અને જબડાનો એક ભાગ મળ્યો છે. તેની સાથે જ માનવ શરીરના અન્ય ભાગોના હાડકા પણ મળી આવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે જંગલમાંથી શબના મળેલા અવશેષો ૨૭ વર્ષીય શ્રદ્ધા વૉલકરના હોવાની શક્યતા છે. તેની પુષ્ટી ફોરેન્સિક લેબની ટીમ દ્વારા તપાસ પછી થઈ શકશે. પોલીસે શ્રદ્ધાના અવશેષો શોધવા મહરૌલીનું તળાવ ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.

દિલ્હી પોલીસની એક ટીમ રવિવારે આફતાબને લઈને છતરપુરના પર્વતીય વિસ્તારોમાં સ્થિત તેના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. રવિવારે વહેલી સવારે આફતાબના ઘરે પહોંચી. એફએસએલની ટીમ ત્યાંથી અનેક વસ્તુઓ લઈને છેક બપોરે રવાના થઈ હતી. બીજીબાજુ ૨૦૦ પોલીસ કર્મચારીઓની ટીમ મહરૌલીના જંગલમાં પહોંચી. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને જંગલમાંથી કેટલાક અવશેષો અને કપાયેલા હાડકા મળી આવ્યા.

દરમિયાન મેદાનગઢી વિસ્તારમાં સ્થિત એક તળાવમાં દિલ્હી પોલીસે નગર નિગમ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવ્યું. સર્ચ ઓપરેશન હેઠળ તળાવમાંથી ૧,૦૦૦ લીટર પાણી કાઢવામાં આવ્યું. આફતાબે શ્રદ્ધાનું માથું આ તળાવમાં ફેંક્યુ હોવાનું કબૂલ્યું છે. આથી પોલીસ અહીં તપાસ કરી રહી છે.

બીજીબાજુ કોર્ટના આદેશ પર રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબમાં આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ થયા પછી ૨૨ નવેમ્બરે તેને કોર્ટમાં હાજર કરાશે. પરંતુ સૂત્રો મુજબ પોલીસ કોર્ટમાં તપાસ માટે વધુ સમય માગી શકે છે અને રીમાન્ડ વધારવાની અરજી પણ કરી શકે છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં દિલ્હી પોલીસની એક ટીમે શ્રદ્ધાના વતન પાલઘરના વસઈમાં કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે ૨૦૨૦માં આફતાબે માર માર્યા પછી શ્રદ્ધાએ જે બે પુરુષ મિત્રોની મદદ લીધી હતી તે અને શ્રદ્ધા જ્યાં કામ કરતી હતી ત્યાં એક મહિલા મિત્રના નિવેદન નોંધ્યા હતા. આ સિવાય પોલીસની એક ટીમે વસઈની રીગલ ઈમારત કે જ્યાં શ્રદ્ધા અને આફતાબ રહેતા હતા ત્યાં પણ પૂછપરછ શરૂ કરી છે. આ સિવાય પોલીસ આફતાબના પરિવારની પણ શોધ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાનું બહાર આવતા પહેલાં જ તેના પરિવારે ઘર શીફ્ટ કર્યું હતું. હવે તેમની કોઈ માહિતી મળતી નથી. પરિવારની શોધમાં મહારાષ્ટ્ર પોલીસે પણ એક ટીમ બનાવી છે.

સૂત્રો મુજબ આફતાબના પરિવારે થોડાક સમય પહેલા જ નયા નગરમાં એક મકાન ભાડે લીધું હતું, પરંતુ તે પરિવાર હવે ત્યાં નથી રહેતો. આફતાબના માતા-પિતા અને ભાઈના ફોન પણ બંધ છે. શ્રદ્ધાની એક મિત્રે દાવો કર્યો હતો કે આફતાબ શ્રદ્ધાને રોજ મારે છે તેની પરિવારને જાણ હતી અને તેમણે જ આફતાબને સંરક્ષણ આપ્યું હતું.


Google NewsGoogle News