પશ્ચિમ બંગાળ: BJP નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ, CM મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ
Image Source: Twitter
- વરિષ્ઠ TMC નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી
કોલકાતા, તા. 08 જાન્યુઆરી 2024, સોમવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બીજેપી નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વરિષ્ઠ TMC નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
અમિત માલવિયા એ કર્યો હતો આ દાવો
અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી જેના પર એક્શન લેતા ભટ્ટાચાર્યએ આ ફરિયાદ નોંધાવી છે. અમિત માલવિયા એ તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલા મામલે મુખ્ય આરોપી અને ફરાર TMC નેતા શાહજહાં શેખ મમતા બેનર્જીના રક્ષણને કારણે 'લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ'ની ચંગુલમાંથી ભાગવામાં સફળ રહ્યો.
આ સાથે જ તેમણે એ પણ લખ્યું કે, સંદેશખાલીનો ડોન હોવાનો દાવો કરનાર શાહજહાં ફરાર છે. મમતા બેનર્જી કે પશ્ચિમ બંગાળના ગૃહમંત્રી પણ છે તેમના રક્ષણ વિના આ શક્ય નથી.
પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા કરી વિનંતી
રાજ્યના મંત્રી ભટ્ટાચાર્યએ રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ફરિયાદ નોંધાવી છે અને પોલીસને મુખ્યમંત્રી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ કરવા માલવીય વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
BJPએ TMC પર કર્યો કટાક્ષ
આ વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે સત્યને મૌન કરાવવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવા બદલ TMCની ટીકા કરી હતી. બીજેપી નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે, અમિત માલવિયાએ જે પણ કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે. તે TMC સરકાર છે જે ગુનેગારોને રક્ષણ આપી રહી છે અને આ પ્રવૃતિના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ રહી છે.