અયોધ્યામાં રામમંદિરે જનારા થઇ જજો એલર્ટ, ભક્તો સાથે ઓનલાઈન ફ્રોડ વધતાં પોલીસતંત્રમાં દોડધામ
- ઠગ નકલી વેબસાઈટ બનાવીને રૂમ બુકિંગના નામે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ચૂનો લગાવી રહ્યા છે
અયોધ્યા, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની થયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે અને તેમને રહેવા માટે હોટલ કે ધર્મશાળાની પણ જરૂર છે. અહીંથી ઠગોનો ખેલ શરૂ થાય છે.
અયોધ્યામાં હાલમાં લોકો ઓનલાઈન બુક કરાવીને હોટલ કે ધર્મશાળામાં પહોંચી રહ્યા છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તેમને ખબર પડે છે કે તેમના નામે કોઈ રૂમ જ બુક નથી કરવામાં આવ્યો. તે લોકો એવા ઠગોનો શિકાર બની ગયા છે જેઓ અલગ-અલગ હોટલ અને ધર્મશાળાના નામ પર નકલી વેબસાઈટ બનાવીને રૂમ બુકિંગના નામે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ચૂનો લગાવી રહ્યા છે.
શ્રદ્ધાળુએ અયોધ્યા આવતા પહેલા રોકાણ માટે હોટેલનો ઓનલાઈન રૂમ બુક કરાવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે આ નામની કોઈ હોટેલ જ નથી. આવી જ રીતે શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા બાદ રહેવા માટે હોટલ અથવા ધર્મશાળા પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના નામ પર કોઈ રૂમ જ બુક નથી.
અયોધ્યામાં આજકાલ આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ પથની બરાબર સામે બિરલા ધર્મશાળા છે. ત્યાં અત્યાર સુધીમાં આ પ્રકારની લગભગ 30 જેટલી ઘટનાઓ બની ચૂકી છે.
આવી જ રીતે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવ્યુ હતું. તેમણે અયોધ્યા ગયા બાદ ત્યાં રોકાવા માટે બિડલા ધર્મશાળામાં પહોંચ્યા. ત્યાંના મેનેજરે જણાવ્યું કે, ન તો અમારી આવી કોઈ વેબસાઈટ છે કે, નહીં તો ઓનલાઈન રૂમ બુક થાય છે. તેમણે બિડલા ધર્મશાળાના નામ પરથી બનેલી વેબસાઈટ પણ ત્યાં બતાવી.
વેબસાઈટ પર આપેલા નંબરથી ચેટ પણ બતાવી અને ઓનલાઈન ચૂકવણીનો પુરાવો પણ આપ્યો. પરંતુ બધુ બેકાર. ત્યારે તેમને જાણ થઈ કે, તેઓ ઓનલાઈન ઠગીનો શિકાર બની ગયા છે. બીજી તરફ બિડલા ધર્મશાળાના મેનેજરની વાત તો વધુ ચોંકાવનારી છે. તેમણે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદથી અત્યાર સુધી માત્ર તેમને ત્યાં જ આ પ્રકારના 25થી વધુ મામલા આવી ચૂક્યા છે. તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે પરંતુ ન તો કોઈ કાર્યવાહી થઈ કે ન તો કોઈ તપાસ થઈ. વેબસાઈટ જેમ છે તેમ ચાલી રહી છે અને લોકો સાથે છેતરપિંડી યથાવત છે.
ઠગ લોકો એવી રીતે ખેલ ખેલી રહ્યા છે કે, કેટલીક એવી હોટલો છે કે, જેમનું અયોધ્યામાં અસ્તિત્વ નથી. બીજી તરફ કેટલીક હોટલો એવી છે જે ઓનલાઈન બુકિંગ જ નથી કરતી. તેમના નામે એક વેબસાઈટ બનાવવામાં આવે છે. વેબસાઈટમાં સંપર્ક નંબર આપવામાં આવેલ હોય છે. જ્યારે લોકો ફોન કરે છે ત્યારે તેમને રૂમનું રેટ વધારે કહે છે અને ત્યારબાદ કહે છે કે, હાલમાં સ્કીમ ચાલી રહી છે એટલે પૈસા ઓછા થઈ જશે.
અયોધ્યામાં મોટી સંખ્યામાં ભક્તો રામલલાના દર્શન માટે પહોંચી રહ્યા છે તેથી હોટલ અને ધર્મશાળામાં રૂમની ઉપલબ્ધતા ઓછી છે. આવી સ્થિતિમાં બહારથી આવતા લોકો ઓનલાઈન રૂમ બુક કરવાનું યોગ્ય માને છે. સાયબર ઠગ આવી જ તકની રાહ જોઈને બેઠા હોય છે અને કોઈને કોઈ રીતે પોતાનો શિકાર બનાવે છે.
હવે આ મામલે ક્ષેત્રાધિકારી અયોધ્યા આશુતોષ મિશ્રાએ સ્વીકાર્યું છે કે, આવી ઘટનાઓ તેમની જાણમાં છે. તેમણે આ અંગેની માહિતી સાયબર સેલ લખનઉને મોકલી આપી છે. ટૂંક સમયમાં આ અંગે કેસ પણ નોંધવામાં આવશે. જો કે સૂત્રોનું માનીએ તો આઈજી પ્રવીણ કુમારે અયોધ્યા પોલીસને તમામ ઘટનાઓ સામે તાત્કાલિક કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.