ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા મામલે સપાના સાંસદ અને ધારાસભ્યોને પણ બનાવાયા આરોપી
Image: Facebook
Violence in UP: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા ભડકાવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતાં સંભલ લોકસભાના સાંસદ, ધારાસભ્ય ઈકબાલ મહેમૂદના પુત્ર સોહેલ ઈકબાલ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તમામ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જોકે અધિકારીઓ દ્વારા રિપોર્ટની પુષ્ટિ હજુ કરવામાં આવી નથી પરંતુ પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંભલમાં થયેલા હોબાળા બાદ પોલીસે 21 લોકોને કસ્ટડીમાં લીધા અને 400 અજાણ્યા લોકો વિરુદ્ધ રિપોર્ટ પહેલેથી જ નોંધી દીધી છે.
આ પણ વાંચો: સંભલ જામા મસ્જિદનો વિવાદ શું છે, શું અહીં હરિહર મંદિર તોડીને જામા મસ્જિદ બનાવાઈ હતી?
રસ્તા પર સન્નાટો, બજાર બંધ, ડીઆઈજીએ કરી ફ્લેગ માર્ચ
જિલ્લામાં થયેલા હોબાળા બાદ આખી રાત પોલીસે પેટ્રોલિંગ કર્યું. ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગનું નેતૃત્વ કર્યું. જ્યાં-જ્યાં હિંસામાં આગચંપી અને પથ્થરમારો થયો હતો ત્યાં ખાસ ફોકસ કરવામાં આવ્યુ અને ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. સાથે જ સતત શંકાસ્પદ લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સોમવારે સવારે પણ માર્કેટ બંધ દેખાયા. સાથે જ લોકો પોતાના ઘરેથી નીકળવાનું ટાળી રહ્યાં છે. રસ્તા પર સન્નાટો પ્રસરી ગયો છે. સવારે ડીઆઈજીએ પોલીસ દળ સાથે રસ્તા પર ફ્લેગ માર્ચ કરી છે. આ સિવાય ડીએમ દ્વારા જાહેર કરવામાં આવેલી રજા બાદ સ્કુલ કોલેજ માટે બાળકો નીકળ્યા નથી.