Get The App

'પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે...', અલ્લાહાબાદ હાઈકોર્ટનું નિવેદન ભારે ચર્ચામાં

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Allahabad High Court


Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, 'પોકર (પત્તાની રમત) અને રમી જુગાર નથી. પરંતુ સ્કીલની રમત છે.' મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, ભારતના બંધારણની કલમ 226 હેઠળ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડ તરફથી અલ્લાહાબાદ  હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે 24મી જાન્યુઆરી 2024 ના રોજ આગ્રા પોલીસ કમિશનરેટના DCP સિટીના કાર્યાલય દ્વારા પસાર કરાયેલા આદેશથી નારાજ થઈને હાઈકોર્ટમાં અરજીમાં દાખલ કરી હતી. અરજદાર દ્વારા ગેમિંગ યુનિટ ચલાવવાની મંજૂરી માટે કરવામાં આવેલી અરજીના સંબંધમાં પસાર કરવામાં આવ્યો હતો. ડીસીપી ઓફિસે પોકર અને રમી માટે ગેમિંગ યુનિટ ચલાવવાની પરવાનગી નકારી હતી.

અરજદારના વકીલે આ દલીલ કરી

અરજદારના વકીલે દલીલોને મજબૂત કરવા માટે, આંધ્ર પ્રદેશ વિરુદ્ધ કે.એસ. સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો તેમજ જંગલી ગેમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'પોકર અને રમીની રમત સ્કીલની રમત છે જુગાર નથી.' અરજદારના વકીલે દલીલ કરી હતી કે પરવાનગી આપવાનો ઇનકાર માત્ર એવી ધારણા પર આધારિત હતો કે આવી રમતો શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે અથવા જુગાર ગણાય છે.

આ પણ વાંચો: અદાણીને લાભ કરાવવા બેન્કોએ રૂ 46,000 કરોડના લેણા જતા કર્યાં, AIBEAના આંકડાથી ધડાકો


કોર્ટ સમક્ષ પ્રાથમિક કાનૂની મુદ્દો એ હતો કે, શું પોકર અને રમીને જુગારની પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરી શકાય કે સ્કીલની રમતો તરીકે ઓળખી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે, 'જુગાર પર પ્રતિબંધ છે તેને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એ પાસાને ધ્યાનમાં લીધા વિના કે પત્તાની રમતો એટલે કે પોકર અને રમી સંપૂર્ણપણે સ્કીલની રમતો છે અને તે જુગાર નથી.'

અલ્લાહાબાદ  હાઈકોર્ટે વધુ સ્પષ્ટતા કરી કે પોકર અને રમી રમતા ગેમિંગ યુનિટ ચલાવવાની મંજૂરી આપવાથી સત્તાવાળાઓને ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાથી રોકી શકાતી નથી. હાઈકોર્ટે સ્કીલ આધારિત રમતોના મુદ્દે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના નિર્ણયોને ધ્યાનમાં લઈને સંબંધિત ઓથોરિટીને આ બાબતે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીનો નિકાલ કરતી વખતે, હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, 'અરજદારને સુનાવણીની તક પૂરી પાડ્યા પછી, નિર્ણયની તારીખથી 6 અઠવાડિયામાં સત્તાધિકારે તર્કસંગત આદેશ પસાર કરવો જોઈએ.'

'પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે...', અલ્લાહાબાદ હાઈકોર્ટનું નિવેદન ભારે ચર્ચામાં 2 - image


Google NewsGoogle News