પીઓકે ભારતનો ભાગ, 24 બેઠકો અનામત
- લોકસભામાં બિલ પસાર
- 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઇને બીજો મોટો નિર્ણય
- જમ્મુમાં 37 બેઠકોને વધારીને 43, કાશ્મીરમાં 46 બેઠકોને વધારીને 47 કરાઇ, ગમે ત્યારે ચૂંટણીની શક્યતા
- પોતાના જ દેશમાં શરણ લેવા મજબુર થયેલા કાશ્મીરી પંડિતોને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે : અમિત શાહ
- જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલને લોકસભામાં મંજૂરી મળતા હવે રાજ્યસભામાં મોકલાશે
નવી દિલ્હી : પીઓકે અને જમ્મુ કાશ્મીરને લઇને મહત્વપૂર્ણ ગણાતા બિલને લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં વિધાનસભાની ૨૪ બેઠકો અનામત રહેશે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં સિમાંકન બાદ વિધાનસભાની બેઠકોમાં ફેરફાર કરાયા છે તેનો પણ સમાવેશ આ બિલમાં કરાયો છે. જે મુજબ જમ્મુમાં ૩૭ બેઠકો હતી તેને વધારીને ૪૩ કરી દેવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં પહેલા ૪૬ બેઠકો હતી તેને ૪૭ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરી પંડિતો માટે વિધાનસભામાં બેઠકો અનામત રહેશે.
જમ્મુ કાશ્મીર અનામત (સુધારા) બિલ ૨૦૨૩ અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ ૨૦૨૩ને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બન્ને બિલો પર ચર્ચા કરતા અમિત શાહે કહ્યું હતું કે જે કાશ્મીરી પંડિતોએ પોતાના જ દેશમાં શરણ લેવા મજબુર થવુ પડયું હતું તેમને આ બિલો ન્યાય અને અધિકાર આપશે. જે પણ સમાજમાં લોકો વંચિત હોય તેને આગળ લાવવા પડશે. વંચિતોને આગળ લાવવા અને સન્માન પૂર્વક આગળ લાવવા બન્ને વચ્ચે અંતર છે. અમે કાશ્મીરી પંડિતોને સન્માન સાથે આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિપક્ષના કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલોમાં કઇ નવુ નથી માત્ર નામ બદલવામાં આવ્યા છે. તેમને હું જણાવવા માગુ છું કે આ બિલોમાં નામોની સાથે આ વંચિત લોકોનું સન્માન પણ જોડાયેલું છે. નરેન્દ્ર મોદી એક ગરીબ પરિવારમાં જન્મ્યા અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે, તેઓ ગરીબોની તકલીફોને સારી રીતે સમજે છે.
લોકસભામાં પસાર કરાયેલા બન્ને બિલોના વખાણ કરતા અમિત શાહે કહ્યું હતું કે જે લોકોને પોતાના અધિકારોથી ૭૦ વર્ષથી વંચિત રાખવામાં આવ્યા તેમને ન્યાય આપવા આ બિલ લાવવામાં આવ્યા છે. આતંકવાદને કારણે જે લોકો કાશ્મીર છોડવુ પડયું તેમને હવે આ બિલ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપશે. ૨૦૨૪માં મોદી સરકાર ફરી સત્તામાં આવશે અને ૨૦૨૬ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં એક પણ આતંકી ઘટના સામે નહીં આવે, આતંકવાદનો સંપૂર્ણ ખાતમો કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે એક દેશમાં બે વડાપ્રધાન અને બે રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે હોઇ શકે, અગાઉના શાસકોએ કરેલી ભુલોને વડાપ્રધાન મોદીએ સુધારી છે. ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઇને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલોને મોટુ પગલુ માનવામાં આવે છે. દરમિયાન કેન્દ્ર સરકારના બિલોને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ ગેરકાયદે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ૩૭૦ને ગેરકાયદે હટાવવામાં આવી, આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. એવામાં સરકાર તેના પર કાયદો કેવી રીતે ઘડી શકે? કેન્દ્રના આ બિલ ગેરકાયદે છે સાથે જ બંધારણ, સુપ્રીમ કોર્ટ અને સંસદને રોંદનારા છે. દેશની દરેક સંસ્થાઓને કચડી નાખવામાં આવી રહી છે.
બિલોથી જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર આ અસરો થશે
જમ્મુ કાશ્મીર અનામત કાયદો ૨૦૦૪માં સુધારો કરાશે, પ્રથમ વખત સરકારી નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી, એસટી માટે નવ બેઠકો અનામત રહેશે. વીક એન્ડ અન્ડર પ્રિવિલેજ્ડ ક્લાસિસના સ્થાને ઓબીસી શબ્દનો પ્રયોગ થશે. વિધાનસભામાં પ્રતિનિધિત્વ માટેના ૨૦૧૯ના કાયદામાં સુધારા થશે, પીઓકેમાંથી વિસ્થાપિત થયા હોય તેમને તેમજ કાશ્મીરમાંથી વિસ્થાપિત થઇ ગયેલાનેે વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે. કાશ્મીરી માઇગ્રન્ટ કોમ્યૂનિટીમાંથી બે અને પીઓકેના વિસ્થાપિતોમાંથી એકને વિધાનસભામાં નિમવામાં આવશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભાની બેઠકો ૮૩થી વધારીને ૯૦ કરવામાં આવશે. એસસી, એસટીને પણ વિધાનસભામાં અનામત મળશે. ૧૫એ અને ૧૫બી કલમો ઉમેરાશે અને ઉપરાજ્યપાલને પીઓકે અને કાશ્મીરના ત્રણ પ્રતિનિધિ નિમવાની સત્તા આપશે, જેમાં એક મહિલાનો સમાવેશ કરાશે.
નેહરુની ભુલોને કારણે પીઓકે હાથમાંથી જતુ રહ્યું : અમિત શાહ
લોકસભામાં જમ્મુ કાશ્મીરના બિલો પર ચર્ચા કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર આરોપો લગાવ્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે કાશ્મીરને લઇને નેહરુએ કોઇ ભુલ નહીં પણ બ્લન્ડર કર્યું હતું. જોકે નેહરુનું નામ ઉછળતા વિપક્ષ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.
અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જવાહરલાલ નેહરુએ ૧૯૪૭માં જ્યારે આપણુ સૈન્ય જીતી રહ્યું હતું ત્યારે સીઝફાયર કરી નાખ્યું, જો આ સીઝફાયર ના કર્યું હોત તો પીઓકે આજે ભારત પાસે હોત, જમ્મુ કાશ્મીરના મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જઇને નેહરુએ બીજી ભુલ કરી નાખી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે ખુદ નેહરુએ શેખ અબ્દુલ્લાને લખેલા પત્રમાં પોતાની આ બન્ને ભુલોનો સ્વીકાર કર્યો હતો.