PMOની શક્તિ પર સવાલઃ જાણો ભારતનું વહિવટી તંત્ર શું છે અને કેવી રીતે કરે છે કામ, સિવિલ સેવકની કામગીરી શું?
'ધ કેબિનેટઃ અ ચેક ઓન ઓથોરિટેરિઅનિઝમ'માં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લખે છે - એક એજન્ડા હેઠળ વડાપ્રધાન કાર્યાલયને એક સ્વતંત્ર કાર્યકારી દળમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે
PMO Power: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેબિનેટની અવગણના કરવા બદલ મોદી સરકાર વખોડી છે. ખડગેએ કહ્યું છે કે કેબિનેટની તમામ સત્તા વડાપ્રધાન કાર્યાલયમાં ખસેડવામાં આવી છે, જે લોકશાહી માટે ખતરનાક છે. ખડગેએ કેન્દ્રીય કેબિનેટમાં રાજકારણીઓને બદલે ટેકનોક્રેટ્સ અને નોકરિયાતોને સ્થાન આપવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
PMOને સુપર કેબિનેટનું બિરુદ આપતા ખડગે લખે છે - આ ભારતનું વહીવટી સેટઅપ અમેરિકા જેવું બનાવવાનો પ્રયાસ છે, જ્યાં માત્ર એક જ વ્યક્તિ મુખ્ય કાર્યકારી અધિકારી છે અને તમામ નિર્ણયો અને નીતિઓ તેની આસપાસ જ ફરે છે. ખડગેએ કહ્યું છે કે સરકાર જાણીજોઈને ઉતાવળના નામે 1947થી ચાલી રહેલી સિસ્ટમને બંધ કરી રહી છે. તેમને એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની નાબુદીને શંકાસ્પદ ગણાવી છે.
કેવું છે ભારતનું વહીવટી માળખું?
ભારતમાં કેન્દ્ર તેમજ રાજ્ય સ્તર દ્વારા સરકારનું સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રપતિ પ્રમુખ પદ પર હોય છે. જેને સલાહ આપવા માટે એક કેબીનેટ હોય છે, આ કેબીનેટના વડા પ્રધાનમંત્રી હોય છે. ભારતીય બંધારણની કલમ 77 મુજબ ભારતના બધા જ વહીવટી કામ રાષ્ટ્રપતિના નામે થાય છે.
તેમજ રાજ્યપાલ રાજ્યના પ્રમુખ હોય છે અને તેઓ રાજ્ય કેબીનેટની સલાહ પર સરકાર ચલાવે છે. રાજ્યમાં કેબીનેટના પ્રમુખને મુખ્યમંત્રી કહેવામાં આવે છે. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યનું કામકાજ અને તેના અધિકાર વિધે પણ જણાવવામાં આવ્યું છે. જેમાં વધુ શક્તિ કેન્દ્ર પાસે છે. કેન્દ્રીય સ્તરે સરકારના એજન્ડાને રેકોર્ડ કરવા અને અમલમાં મૂકવા માટે કેબિનેટ સચિવાલય બનાવવામાં આવ્યું છે. તેના અંતર્ગત જ બધા વિભાગ કર્યો કરે છે. રાજ્ય સ્તરે, મુખ્ય સચિવ અમલદારશાહીના વડા છે. મુખ્ય સચિવ જ સરકારના કામનો અમલ કરે છે.
શું છે કેબીનેટ સચિવાયલ અને કઈ રીતે તે કામ કરે છે?
1916માં કેબીનેટ સચિવાલયનું ગઠન થયું. ત્યારથી અત્યાર સુધી તેનું સ્વરૂપ જાળવી રખાયું. કેબીનેટ સચિવાલયનું મુખ્યકામ બધા વિભાગોમાંથી ડેટા ભેગા કરીને તેને કેબીનેટમાં રાખવા, તેને વિભાગના અધિકારીઓને પૂરો પાડવો અને દરેક વિભાગ વચ્ચે સંવાદિતા જાળવવાનું છે.
1953માં પોલ એચ અપિલ્બેની અધ્યક્ષતા ધરાવતી કમિટીને કેબીનેટ સચિવાલયને અસરકારક બનાવવા માટે વિસ્તૃત સુચન આપ્યું, ત્યારપછી સરકારે કેટલાક વિભાગોમાં અલગ વહીવટી સેટઅપ તૈયાર કર્યું હતું. તેમાં ગૃહ મંત્રાલય અને O & M વિભાગ હતા. 1965માં કેબીનેટ સચિવાલયમાં ઈન્ટેલીજન્સ વિંગની સ્થાપના કરવામાં આવી. લોકસભાની અંદાજ સમિતિના અહેવાલના આધારે કેબિનેટ સચિવાલય હેઠળ કર્મચારી મંત્રાલયની રચના કરવામાં આવી હતી. આ વિભાગનું મૂળ કામ અધિકારીઓની નિમણૂક અને તેમની બદલી તેમજ પોસ્ટિંગનું છે.
કેબિનેટ સચિવ ભારતની સિવિલ સર્વિસના વડા છે અને તેઓ સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. કેબિનેટ સચિવાલય કોઈપણ વિભાગને કોઈપણ સૂચના આપી શકે છે અને તેની પાસેથી કોઈપણ માહિતી લઈ શકે છે.
ભારતમાં વટહુકમ બહાર પાડવાનું, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન, સંધિઓ અને કરારોનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવાનું અને સંદેશ તૈયાર કરવાનું કામ પણ કેન્દ્રીય સચિવાલય દ્વારા કરવામાં આવે છે. કેબિનેટ સચિવાલય પણ વિરોધાભાસી નિર્ણયો માટે દરખાસ્તો તૈયાર કરે છે. તે તમામ વિભાગોને માસિક સમરી પણ મોકલે છે.
વડાપ્રધાન કાર્યાલય અને તેના કાર્યો
વડાપ્રધાન ભારતના પ્રજાસત્તાકના વહીવટી વડા છે. તેમના કામને સરળ બનાવવા માટે એક અલગ વહીવટી સેટઅપ હોય છે. જે વડાપ્રધાન કાર્યાલય તરીકે ઓળખાય છે. ભારતમાં વડાપ્રધાન કાર્યાલયના અંતર્ગત કે તેની નીચે કોઈ કાર્યાલય નથી. તે માત્ર એક વિભાગનો દરજ્જો ધરાવે છે. તે એક બિન-બંધારણીય એકમ છે, એટલે કે બંધારણમાં તેનો સમાવેશ થતો નથી. 1947 થી 1977 સુધી, વડા પ્રધાન કાર્યાલયનું નામ વડા પ્રધાન સચિવાલય હતું. આ કાર્યાલયના વડા સંયુક્ત સચિવ સ્તરના અધિકારી હોઈ શકે છે.
હાલમાં PMOના વડાને પ્રિન્સિપલ સેક્રેટરી (PMO) કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ વડાપ્રધાન કાર્યાલય હેઠળ કામ કરે છે. આ પોસ્ટ ભારતમાં પ્રથમ વખત 1998માં બનાવવામાં આવી હતી. હાલમાં અજીત ડોભાલ આ પદ સંભાળે છે. વડા પ્રધાન કાર્યાલયનું મુખ્ય કાર્ય વડા પ્રધાનને વિવિધ મુદ્દાઓ પર સલાહ આપવાનું, કાર્યાલયના તમામ કાગળોનો વ્યવહાર કરવાનું અને વડા પ્રધાનની બેઠકોના ડ્રાફ્ટ તૈયાર કરવાનું છે. વડાપ્રધાનના નિર્દેશ પર PMO કોઈપણ મંત્રાલયના કામકાજ પર પણ નજર રાખી શકે છે.
PMO કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારો અને પ્રધાનમંત્રી વચ્ચે એક સેતુનું કામ કરે છે. તેમજ તે વડાપ્રધાનના જનસંપર્કનું કામ પણ કરે છે. વડાપ્રધાનના તમામ ઓએસડી અને ખાનગી સચિવો અહીં બેસે છે. આ ઉપરાંત ઘણી વખત PMO મંત્રાલયની કામગીરી અને નીતિનો ડ્રાફ્ટ પણ તૈયાર કરે છે. ઇન્દિરા અને રાજીવના શાસન દરમિયાન PMO એક સંસ્થા તરીકે વધુ મજબૂત બન્યું હતું. તે સમયે પણ વિપક્ષો PMOની ખૂબ ટીકા કરતા હતા અને તેને સુપર કેબિનેટ કહેતા હતા.
કેન્દ્રમાં સિવિલ સર્વિસ અધિકારીઓ
ભારતમાં નાગરિક સેવાની વ્યવસ્થા અંગ્રેજોના સમયથી અસ્તિત્વમાં છે. સિવિલ સર્વિસ એટલે અધિકારીઓનું જૂથ જે સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો અમલ કરે છે. લશ્કરી વિભાગના અધિકારીઓ સિવિલ સર્વિસમાં આવતા નથી. સિવિલ સેવકોની પસંદગી મેકોલે સિસ્ટમ અનુસાર કરવામાં આવે છે.
ભારતમાં નાગરિક સેવાના વડા કેબિનેટ સચિવ હોય છે. હાલમાં આ પદ પર રાજીવ ગૌબા છે. કેબિનેટ સચિવની નીચે વિભાગોના સચિવો હોય છે. તેમને પ્રિન્સિપલ સેક્રેટરી પણ કહેવામાં આવે છે. વિભાગના સચિવ વિભાગને લગતા નિર્ણયો અને ડ્રાફ્ટ તૈયાર કરે છે, જે કેબિનેટમાં રજૂ કરવામાં આવે છે. સેક્રેટરીની નીચે એડિશનલ સેક્રેટરીઓ છે અને પછી જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ બનાવવામાં આવી છે. જોઈન્ટ સેક્રેટરીની નીચે ડેપ્યુટી સેક્રેટરી અથવા ડિરેક્ટર હોય છે અને પછી સૌથી નીચે અન્ડર સેક્રેટરીની પોસ્ટ હોય છે.