કેબિનેટ મંત્રીઓ જેટલો જ 'પાવર' ધરાવે છે કેન્દ્રના આ અધિકારીઓ, PM મોદીએ ફરી ટીમમાં કર્યા સામેલ
Modi Govt: મોદી સરકારના પાછલા કાર્યકાળમાં તેમજ આ વખતે પણ અજીત ડોભાલ, પીકે મિશ્રા, અમિત ખરે અને તરુણ કપૂરને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા અજીત ડોભાલને દેશની આંતરિક જવાબદારી સોંપવામાં આવી છે.
દેશ માટે આતંકવાદ વિરોધી ગ્રીડની સ્થાપના તેમજ ગુપ્ત માહિતી પ્રણાલીને મજબૂત બનાવવા જેવી બીજી ઘણી જવાબદારી તેમના માથે છે. અજીત ડોભાલે તેમના બંને કાર્યકાળ દરમિયાન ઘણા મોટા ઓપરેશનો હાથ ધર્યા છે. હવે આ વખતે પણ ડોભાલના નેતૃત્વમાં ઘણા ઓપરેશનો હાથ ધરવામાં આવશે.
પીકે મિશ્રા વડાપ્રધાન કાર્યાલયના સૌથી અનુભવી અધિકારીઓમાંના એક છે. તેમની નિમણૂક ફરી એક વખત સાબિત કરે છે કે પીએમ મોદીને તમામ વિભાગોમાંથી તેમના કામનો રિપોર્ટ પહેલાની જેમ જ મેળવતા રહેશે.
અમિત ખરે ઝારખંડ કેડરના વરિષ્ઠ IAS અધિકારી રહી ચૂક્યા છે. તેમજ તેમણે કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયોમાં સચિવ તરીકે કામ કર્યું છે. ભારત સરકારના વિકાસ ભારત સંકલ્પ, જન ધન યોજના, વૈકલ્પિક ઉર્જા યોજના જેવા પ્રોજેક્ટમાં તેમની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મોદી સરકારે તરુણ કપૂર પર પણ ભરોસો મૂક્યો છે.
નિમણૂક થતાની સાથે જ અજીત ડોભાલ એક્શન મોડમાં
અજીત ડોભાલ તેમની નિમણૂક બાદ તરત જ એક્શનમાં જોવા મળ્યા હતા. તેઓ ગુરુવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. માનવામાં આવે છે કે આ દરમિયાન તેમણે આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી છે. કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાઓ થઈ રહ્યા હોવાથી આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ સાથે કમિટીએ અમિત ખરે અને તરુણ કપૂરની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂકને પણ મંજૂરી આપી છે. બંને અધિકારીઓની નિમણૂક સરકારના સેક્રેટરીના રેન્ક અને પગાર ધોરણમાં 10 જુલાઈથી બે વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કરવામાં આવશે.
વર્ષ 2014માં અજીત ડોભાલ NSA બન્યા હતા
અજીત ડોભાલ વર્ષ 2014થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જોડાયેલા હતા. અરબ દેશો સાથે ભારતના સારા સંબંધો માટે અજીત ડોભાલને પણ જવાબદાર માનવામાં આવે છે. મોદી સરકાર દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક નીતિ અપનાવી છે. ઉરી હુમલા બાદ ભારતે હુમલો કર્યો હતો.
આ સિવાય પુલવામા હુમલા બાદ પણ ભારતે આક્રમક કાર્યવાહી કરી હતી. તેઓ 2005માં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 30 મે 2014ના રોજ તેમને પ્રથમ વખત NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, 31 મે, 2019 ના રોજ, તેમને ફરી એકવાર NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ડોભાલની ફરી નિયુક્તિ શા માટે મહત્ત્વપૂર્ણ?
અજીત ડોભાલે ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. ત્યારપછી પુલવામામાં આતંકી હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં પણ ડોભાલે મોટી ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન અને ચીન સાથે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે, એ બાબતે ડોભાલ પણ વિશ્વાસ મૂકવો એકદમ યોગ્ય છે.