દક્ષિણ ભારતમાં ભાજપને મોટા ઝટકાની તૈયારી, NDAના સાથી પક્ષે ડીએમકેનેે કરી ઑફર...
Tamil Nadu Politics: કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના સહયોગી પક્ષ પીએમકે નારાજ થયું હોવાના અહેવાલો મળ્યા છે. ઉત્તર તમિલનાડુના વન્નિયાર સમુદાયમાં વર્ચસ્વ ધરાવતા પીએમકેએ મુખ્યમંત્રી સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકેને ઑફર આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે. પીએમકેએ જણાવ્યું કે, જો વન્નિયાર સમુદાયને અતિ પછાત વર્ગ (એમબીસી) ક્વોટામાં 15 ટકા અનામત આપવામાં આવે તો તે તમિલનાડુની ડીએમકે સરકારને સમર્થન આપવા તૈયાર છે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે કેન્દ્રીય સ્તરે વિપક્ષ I.N.D.I.A ગઠબંધનનો હિસ્સો છે.
આગામી ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય
જો પીએમકે ડીએમકે સાથે જોડાઈ તો તમિલનાડુના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. પીએમકે અધ્યક્ષ અંબુમણિ રામદાસે જણાવ્યું હતું કે, જો 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં વન્નિયાર સમુદાયને અનામત આપવામાં આવે તો તે ડીએમકે પક્ષને સમર્થન આપશે. સંપૂર્ણપણે સમર્થન આપવાની શરતે પીએમકેએ ડીએમકેની સામે કોઈ પણ બેઠક પર ચૂંટણી ન લડવાનો નિર્ણય પણ જણાવ્યો છે.
તમિલનાડુમાં હાલ 69 ટકા અનામતની વ્યવસ્થા છે. જેમાં 30 ટકા અનામત પછાત વર્ગ, 20 ટકા અતિ પછાત વર્ગ, 18 ટકા એસસી અને 1 ટકા એસટી સમુદાયને મળે છે. જેમાં પીએમકેએ અતિ પછાત વર્ગમાં ફાળવવામાં આવેલી 20 ટકા અનામતમાંથી 15 ટકા અનામતની માગ કરી છે. પીએમકેએ આ માગ કરતાં સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપ્યો હતો કે, એસસી કેટેગરીમાં 3 ટકા અનામત અરૂંધતીયાર સમુદાયને આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. તેવી જ રીતે અતિ પછાત વર્ગમાં વન્નિયાર સમુદાયને સ્થાન આપી શકાય.
અંબુમણિ રામદાસે જણાવ્યું કે, ઇન્ટરનલ રિઝર્વેશનનો પ્રશ્ન કોઈ જાતિગત મુદ્દો નથી. પરંતુ સામાજિક ન્યાયનો મુદ્દો છે. વન્નિયાર સમુદાયની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેઓ રોજમદાર છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જો તેમને અનામતનો લાભ મળશે તો તેમનો શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ થશે.
વન્નિયાર સમુદાય
ઉત્તર તમિલનાડુમાં વન્નિયાર સમુદાય છે. ઐતિહાસિક રૂપે આ સમુદાય ઓબીસીમાં વર્ગીકૃત હતો. પરંતુ 1980ના દાયકામાં સફળ આંદોલનો બાદ તેને અતિ પછાત કેટેગરીમાં સામેલ કર્યો. 2021માં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો વોટ શેર 4.33 ટકા રહ્યો છે. જો આ માંગ સંતોષાય અને ડીએમકે તથા પીએમકે વચ્ચે ગઠબંધન થાય તો તે સત્તાકીય પક્ષનો જીતનો માર્ગ સરળ બનાવી નિર્ણાયક સાબિત થઈ શકે છે.