વડાપ્રધાને તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં : દ. ભારતીય વેશભૂષામાં તેઓની પ્રતિભા વધુ ઝળકી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
વડાપ્રધાને તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં : દ. ભારતીય વેશભૂષામાં તેઓની પ્રતિભા વધુ ઝળકી 1 - image


- વડાપ્રધાને લલાટ ઉપર દ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 'તિરૂનામમ્' લગાડયું : વેંકટેશની મહાઆરતીનાં દર્શન કર્યાં

તિરૂપતિ : વડાપ્રધાન મોદીએ આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં. તે સમયે તેઓએ દક્ષિણ ભારતીય વેશભૂષા ધારણ કરતાં તેઓની પ્રતિભા વધુ ઝળકી રહી હતી. તેઓ માત્ર કટિ-વસ્ત્રમ્ અને અંગ-વસ્ત્રમ્ પહેરી મંદિરમાં ગયા ત્યારે લલાટ ઉપર દક્ષિણ ભારતની સંસ્કૃતિ પ્રમાણે કપાળ ઉપર ચંદનનું આડું તિલક-તિરૂનાનમ્ લગાડયું હતું.

મંદિરનાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મુખ્ય પૂજારીએ તેઓનું સ્વાગત કર્યું હતું. પ્રવેશ કર્યા પછી વડાપ્રધાને મંદિરના ધ્વજ સ્તંભનાં દર્શન કર્યાં, તેનું પૂજન પણ કર્યું.

આ પછી તેઓ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને ભગવાન વેંકટેશની અર્ચના સાથે મહા આરતીનાં દર્શન કર્યાં. મંદિરની પરિક્રમા કર્યા પછી, તેઓ રંગ-નાયિકી મંડપમાં ગયા, જ્યાં તેઓનાં સન્માનમાં મંત્રોચ્ચારણ સાથે પૂજારીઓએ તેઓનાં સ્વાસ્થ્ય અને દીર્ધાયુના આશિર્વાદ આપવા સાથે જન-કલ્યાણની કામના પણ વ્યક્ત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાં આશરે ૪૫ મિનિટ સુધી રહ્યા. તેઓની સાથે તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમના અધ્યક્ષ કરૂણાકર રેડ્ડી અને એકિઝકયુટિવ અધિકારી ધર્મા રેડ્ડી પણ સાથે રહ્યા હતા.

સહજ છે કે તેઓ મંદિરમાંથી બહાર જવા નીકળ્યા ત્યારે તેઓને પડીયો ભરી પ્રસાદમ પણ આપવામાં આવ્યો હોય. (જે તેઓના સલામતી અધિકારીઓને તેઓએ સોંપ્યો હોય) તે સર્વે સલામતી રક્ષકોને પણ પ્રસાદમ્ નો પરંપરા પ્રમાણે પ્રસાદમ્ તો અપાયો જ હોય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ દેવસ્થાનમની યાત્રા દરમિયાન ૨ કલાક સુધી અન્ય યાત્રાળુઓને સલામતીની દ્રષ્ટિએ પ્રવેશ અપાયો ન હતો. આ મંદિરમાં રોજ ૬૦ થી ૭૦ હજાર યાત્રિકો દર્શનાર્થે આવે છે.


Google NewsGoogle News