વિદ્યાર્થીઓને ગેરેંટી વિના લોન આપતી આ સરકારી યોજના માટે આ રીતે કરો અરજી, જાણો તમામ પ્રક્રિયા
How to Apply for PM Vidyalaxmi Scheme: કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના યુવાનોના શિક્ષણમાં સહાય કરતી યોજના પીએમ વિદ્યાલક્ષ્મી યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે તેમને બેન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈ પણ ગેરેંટી વિના લોન મળશે. જેથી આર્થિક તંગીના કારણે ઉચ્ચ અભ્યાસ ન કરી શકનારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ શિક્ષણથી વંચિત નહીં રહે. આવો જાણીએ કેવી રીતે આ યોજના હેઠળ અરજી કરી શકાશે...
કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં આ યોજના સંદર્ભે પીએમ વિદ્યાલક્ષ્મી નામ હેઠળ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન અને વ્યાજ સબસિડી માટે અરજી કરી શકે છે. યોજનાને સરળ બનાવવા પોર્ટલ પર તબક્કાવાર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. વ્યાજ પર સબસિડી, ઈ-વાઉચર અને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી વોલેટના માધ્યમથી મળશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ અરજદારે વિદ્યાલક્ષ્મી પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને બાદમાં લોગઈન કરવાનું રહેશે.
- કોમન એજ્યુકેશન લોન એપ્લિકેશન ફોર્મની તમામ વિગતો ચકાસીને ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા બાદ અરજદારે પોતાની જરૂરિયાત, લાયકાત, અને સુવિધા અનુસાર, એજ્યુકેશન લોન સર્ચ કરી અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ અંબાણી-અદાણી પણ પાછળ રહી ગયા આ બિઝનેસમેન સામે, ટોપ-10 ભારતીય દાનવીરોની નવી યાદી જાહેર
કેટલી લોન મળી શકશે
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂ. 7.5 લાખની લોન પર 75 ટકાની ક્રેડિટ ગેરેંટી સરકાર તરફથી મળશે. જેનાથી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સરળતાથી વિદ્યાર્થીને લોન પ્રદાન કરી શકશે. જે વિદ્યાર્થીઓની આવક આઠ લાખ રૂપિયા સુધી છે, તેઓ સરકારની અન્ય શિષ્યવૃત્તિ કે વ્યાજ સબસિડીનો લાભ લઈ રહ્યા નથી, તેવા વિદ્યાર્થીઓને રૂ. 10 લાખની લોન મોરેટોરિયમ પિરિયડ પર મળશે. જેમાં વ્યાજ પર 3 ટકા સબસિડી પણ મળશે.
દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ
યુવાનોના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાના માર્ગ પર અડચણો ન આવે તે હેતુ સાથે દરવર્ષે 10 લાખ વિદ્યાર્થીઓને વ્યાજ પર સબસિડી મળશે. જેમાં સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ટેક્નિકલ તથા પ્રોફેશનલ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. વ્યાજ પર સબસિડી આપવા સરકારે 2024-25થી 2030-31 સુધીમાં રૂ. 3600 કરોડનું ફંડ ફાળવ્યું છે. જેમાં 7 લાખ નવા વિદ્યાર્થીઓને લાભ મળવાની શક્યતા છે.