ચૂંટણી વખતે કોણ કરી શકે છે સરકારી વિમાનનો ઉપયોગ, જાણો તેના નિયમ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ચૂંટણી વખતે કોણ કરી શકે છે સરકારી વિમાનનો ઉપયોગ, જાણો તેના નિયમ 1 - image
Image Twitter 

Lok Sabha Elections 2024:  દેશમાં 18મી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ચૂંટણી પંચની સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચાર માટે સતત તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોણ કોણ વ્યક્તિ સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે છે? આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કોને સરકારી વિમાન ઉપયોગ કરવાનો અધિકાર છે.

દેશના વડાપ્રધાન

તમને જણાવી દઈએ કે માત્ર દેશના વડાપ્રધાન જ ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે છે. વડાપ્રધાન સિવાય અન્ય કોઈ નેતાને ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. બાકી અન્ય પાર્ટીઓ અને નેતાઓ તેમના અંગત કે ભાડે રાખેલા વિમાનનો ચૂંટણી વખતે ઉપયોગ કરી શકે છે.

સરકારી વિમાનનો ઉપયોગ કરવાનું ક્યારથી શરૂ થયું ?

ચૂંટણી દરમિયાન સરકારી વિમાનોના ઉપયોગ પાછળ એક રસપ્રદ ઘટના છે. મળતી માહિતી મુજબ 1952માં પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધી 17 લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે. હાલમાં દેશની 18મી સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ બધામાંથી વડાપ્રધાન એકમાત્ર એવા નેતા છે જે ચૂંટણી પ્રચાર માટે સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે છે. આ ઘટના 1952ની છે, જ્યારે દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી થવાની હતી, તે સમયે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ચૂંટણી પ્રચાર માટે સરકારી વિમાનમાં મુસાફરી કરવા માંગતા ન હતા. અને વધુમાં કોંગ્રેસ પાસે તે સમયે એટલા પૈસા પણ નહોતા કે ચાર મહિના સુધી પોતાના ખર્ચે ચૂંટણી માટે વિમાન લાવી શકે. 

દુર્ગાદાસના પુસ્તક 'કર્જન ટુ નેહરુ'માં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકમાં લખ્યું છે કે, ઓડિટર જનરલના કહેવા પ્રમાણે વડાપ્રધાનના જીવનને તમામ પ્રકારના જોખમોથી બચાવવા જરૂરી છે. અને આવું ત્યારે જ શક્ય બને જ્યારે વડાપ્રધાન વિમાનમાં મુસાફરી કરે. કારણ કે વિમાનમાં મુસાફરીથી તેમને વિશાળ સુરક્ષા સ્ટાફની જરુર રહેતી નથી. જે રેલવે મુસાફરીમાં જરુર પડે છે. વડાપ્રધાનની સુરક્ષા એ રાષ્ટ્રીય જવાબદારી છે, તેથી રાષ્ટ્રએ પણ તેના માટે ખર્ચ કરવો જોઈએ.

નિયમ મુજબ વડાપ્રધાને ચૂકવવું પડે ભાડું 

આ બાબતે મળતી માહિતી પ્રમાણે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે, નહેરુ તેમની મુસાફરી માટે સરકારને તેટલું જ ભાડું ચૂકવશે, જેટલું એક પેસેન્જર એરલાઇનમાં ચૂકવતો હોય છે. તેની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓ અને પીએમના પોતાના સ્ટાફનું ભાડું સરકાર ચૂકવશે. તેમજ જો કોઈ કોંગ્રેસી આ વિમાનમાં વડાપ્રધાન સાથે મુસાફરી કરશે તો તેમને પણ પોતાનું ભાડું ચૂકવવું પડશે.

નેહરુ પછી અન્ય વડાપ્રધાનોને પણ આ સુવિધા મળી

પૂર્વ પીએમ નેહરુ પછી આ વ્યવસ્થા બાકીના અન્ય વડાપ્રધાનોને પણ મળતી હતી. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન સરકારમાં એકમાત્ર એવા વ્યક્તિ છે જે સરકાર દ્વારા આપવામાં આવેલા વિમાનનો ઉપયોગ કરી શકે છે. અને તેના પર ચૂંટણી પંચનો કોઈ પ્રતિબંધ નથી હોતો. આ ઉપરાંત વિમાનનો કોઈ ખર્ચો વડાપ્રધાને વ્યક્તિગત રીતે ચૂકવવાની જરૂર નથી, માત્ર તેમણે તેમની મુસાફરીનો ખર્ચ ચૂકવવાનો રહેશે. તેમના રાજકીય પક્ષો પણ તેમના પોતાના ભંડોળમાંથી વહન કરી શકે છે.

જ્યાં એરપોર્ટ નથી ત્યાં પીએમ કેવી રીતે જાય છે?

હાલમાં ભારતમાં મોટા ભાગના સ્થળોએ એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. પરંતુ જો પીએમ એવા સ્થળોએ જાય છે જ્યાં એરપોર્ટ નથી, તો એરફોર્સ દ્વારા  તેમને નાના પ્લેન અથવા હેલિકોપ્ટર આપે છે. જેનો ખર્ચ પીએમઓ ઉઠાવે છે. એક આરટીઆઈમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે ફેબ્રુઆરી 2014થી મે 2017 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 128 બિન-સત્તાવાર યાત્રાઓ કરી હતી. આ માટે પીએમઓએ એરફોર્સને ખર્ચ તરીકે 89 લાખ રુપિયા ચૂકવ્યા હતા.



Google NewsGoogle News