ભારે વરસાદને પગલે PM મોદીની પૂણેનો પ્રવાસ રદ, મહારાષ્ટ્રના અનેક શહેરો જળબંબાકાર
PM Modi Cancelled Pune Visit: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુણે મુલાકાત રદ કરી છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાય છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ઠપ થયુ છે. વડાપ્રધાન મોદી ગુરૂવારે આ રાજ્યની મુલાકાત લેવાના હતા. તેઓ પુણે મેટ્રો ટ્રેનમાં શુભારંભ સાથે રૂ. 22600 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. જો કે, ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો.
શાળા-કોલેજો બંધ
અતિ ભારે વરસાદના કારણે પુણે અને પિંપરી ચિંચવડમાં શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી એલર્ટને ગંભીરતાપૂર્વક લેવા અપીલ કરી છે. રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આઈએમડીએ પુણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. નાગરિકોને કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળવા અને સતર્ક રહેવા સલાહ આપી છે.
આ પણ વાંચોઃ 'ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો...' મોદી સરકારે જાહેર કરી કડક એડવાઈઝરી
આ યોજનાનું ઉદ્યાટન કરવાના હતાં
પીએમ મોદી નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત સ્વદેશી રૂપે વિકસિત રૂ. 130 કરોડના ખર્ચે ત્રણ પરમ રૂદ્ર સુપરકોમ્પ્યુટરનું લોકાર્પણ કરવાના હતા. આ સુપરકોમ્પ્યુટર્સ પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક રિસર્ચની સુવિધા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન અને જલવાયુ સંશોધનની સુવિધા તૈયાર એક હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ પ્રણાલીનું પણ ઉદ્ધાટન કરવાના હતા.
નોંધનીય છે કે, આ પરિયોજના પાછળ રૂ. 850 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં રૂ. 10400 કરોડના ખર્ચે વિવિધ પહેલોની શરૂઆત પણ કરવાના હતા. આ પહેલ ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રક અને કેબ ચાલકોની સુવિધા અને સુરક્ષા, ક્લિન એનર્જી અને ટકાઉ ભવિષ્ય પર કેન્દ્રિત છે.