યુદ્ધ વચ્ચે PM મોદીનું રશિયા બાદ હવે યુક્રેન જવાનું ફાઈનલ! તારીખ થઈ જાહેર, જાણો શું છે ઉદ્દેશ્ય?
Image : IANS (File pic) |
PM Modi Ukraine Visit Next Month: રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવતઃ 23 ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઇ શકે છે. જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે તેમની મુલાકાત થવાની શક્યતા છે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે. પીએમ મોદી એવા સમયે યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીની ઈટાલીમાં ઝેલેન્સકી સાથે થઇ હતી મુલાકાત
લગભગ એક મહિના પહેલા જ પીએમ મોદીએ ઈટાલી (Italy)માં આયોજિત G7 સમિટમાં ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ઈટાલીમાં યોજાયેલી મુલાકાતમાં બંને નેતા ગળે ભેટતાં પણ દેખાયા હતા. લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે ઝેલેન્સકીએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
ભારતનો યુદ્ધના ઉકેલ માટે વાતચીત પર ભાર
આ વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદી અને ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંનેએ ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ભારત શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે અને ક્ષમતા મુજબ દરેક શક્ય પ્રયાસો કરવાનું ચાલુ રાખશે.'