વડાપ્રધાન મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા, જુઓ તસવીરો
PM Modi In Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ 'સુદર્શન સેતુ'નું લોકાર્પણ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બિચ પહોંચ્યા હતા. વડાપ્રધાને દ્વારકામાં બોટિંગ અને સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું.
વડાપ્રધાને બોટમાં કરી સવારી
વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટમાં સવારી કરી હતી. સુદામા સેતુ નજીક વડાપ્રધાન મોદીએ બોટિંગ કર્યું હતું. તેમનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં પ્રવાસીઓને આવવા માટે પ્રેરિત કરવાનો છે.
દ્વારકાના દરિયામાં વડાપ્રધાને કર્યું સ્કૂબા ડાઈવિંગ
વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા.
મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું.
વડાપ્રધાને 'X' સ્કૂબા ડાઈવિંગની તસવીરો શેર કરી હતી. બાદમાં તેમણે 'X' પર આ અનુભવની વાત કરતા લખ્યું કે, ‘પાણીમાં ગરકાવ દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાનો અનુભવ દિવ્ય રહ્યો. મેં અધ્યાત્મિક ઊંચાઈ અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાણ અનુભવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.’