સંસદમાં સુરક્ષા ચૂક મામલે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું 'આવી ઘટના ચિંતાજનક, ઊંડેથી તપાસ જરૂરી'
વિપક્ષ સંસદમાં પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યું હતું અને તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી
પીએમ મોદીએ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
PM Modi on Parliament Security Breach: સંસદની સુરક્ષા ચૂક મામલે રાજકારણ ગરમાયેલું છે ત્યારે વિપક્ષ પીએમ મોદી ગૃહમાં આવીને નિવેદન આપે તેવી સતત માગ કરી રહ્યું હતું. દરમિયાન પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં સંસદની સુરક્ષામાં થયેલી ચૂક પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ જરૂરી છે અને સાથે જ આ કેસને ઊંડે જવું પણ જરૂરી છે.
પીએમ મોદી શું બોલ્યાં?
પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક હતી. આ મુદ્દે વાદ-વિવાદ કે પ્રતિરોધની જગ્યાએ તેની ઊંડાઈએ જવાની જરૂર છે. આવું કરાશે જ તો જ મામલાનો ઉકેલ આવશે. સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગે વિપક્ષ સતત મોદી સરકાર સામે સવાલો ઊઠાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને ઓછી ન આંકવામાં આવે. સ્પીકર ઓમ બિરલા આ મામલે ગંભીર થઇને કાર્યવાહી કરી રહ્યા છે.
સંસદમાં આતંકી હુમલાની 22મી વરસીએ જ સ્મોક બોમ્બ એટેક
ઉલ્લેખનીય છે કે સંસદમાં આતંકી હુમલાની 22મી વરસીએ જ 13 ડિસેમ્બરના રોજ બે યુવકો ગૃહમાં દર્શકોની ગેલરીમાંથી કૂદી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ વડે ઉત્પાત મચાવી દીધો હતો. તેમના બે સાથીદારો સંસદની બહાર દેખાવો કરતા પકડાયા હતા અને પછીથી એક પછી એક ઘણા લોકો આ કેસમાં સંડોવાતા ગયા.