ભારત-કેનેડાના વણસતાં સંબંધો વચ્ચે ટ્રુડો સાથે PM મોદીની મુલાકાત, જાણો કયા મુદ્દે થઇ ચર્ચા
India Canada Tension: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદી અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ઈટાલીમાં મળ્યા હતા. આ મુલાકાત G7 સમિટ દરમિયાન થઇ હતી. પીએમ મોદીએ ટ્રુડો સાથેની મુલાકાતની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
શું બોલ્યાં કેનેડિયન પીએમ ટ્રુડો?
આ મુલાકાત બાદ કેનેડાના પીએમે કહ્યું કે G7 સમિટ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સારી રહી. મેં પીએમ મોદીને ચૂંટણી જીતવા અને ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. અમારી વચ્ચે કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. અમે સાથે કામ કરવા માટે સાથે મળીને તૈયાર છીએ.
ભારત-કેનેડાના સંબંધો કેમ વણસ્યા?
ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારતનું નામ લીધું હતું અને દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ નિજ્જર હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો અને ભારતે કેનેડાના રાજદૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. આ પછી ભારત અને કેનેડામાં વિઝા સેવા પણ થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.
હાલ કેનેડા તેના આરોપોને સાચા સાબિત કરવા પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ ભારતે પહેલાથી જ કેનેડાને ચેતવણી આપી છે કે નક્કર પુરાવા વિના તેના પર આરોપ લગાવવો યોગ્ય નથી.