VIDEO: વડાપ્રધાન મોદી અને બિલ ગેટ્સની મુલાકાત, ડિજિટલ ક્રાંતિ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
PM Modi-Bill Gates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચે ટેક્નોલોજી, એજ્યુકેશન, હેલ્થથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેનો વીડિયો સામે આવ્યો છે.
ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે : વડાપ્રધાન મોદી
આ બેઠક દરમિયાન વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે અને સમગ્ર દેશે ડિજિટલ ક્રાંતિને અપનાવી છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે ભારતમાં કોરોનાના સમયગાળા દરમિયાન લોકો કોવિન એપ દ્વારા ઓનલાઈન રસીકરણ માટે બુકિંગ કરતા હતા અને પોતે એપોઈન્ટમેન્ટ લેતા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચેની આ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી લઈને ડિજિટલ પેમેન્ટ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ચર્ચા દરમિયાન વડાપ્રધાને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી
વડાપ્રધાને આ ચર્ચા દરમિયાન બિલ ગેટ્સને તેમની સરકારની લખપતિ દીદી યોજનામાં આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પણ પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે, 'દેશના ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. મેં આ આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ હોસ્પિટલો સાથે જોડી દીધા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કૃષિને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવાની જરૂરિયાત છે. આથી જ અમે ડ્રોન દીદી યોજના શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચાલી રહી છે.