VIDEO: ‘કેન્દ્ર સરકારના 10 વર્ષના પ્રયાસથી જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન આવ્યું’ PM મોદીનું શ્રીનગરમાં સંબોધન
PM Narendra Modi Jammu Kashmir Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે આજે (20 જૂન) જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. આતંકવાદી હુમલાઓ વચ્ચે વડાપ્રધાનની કાશ્મીર મુલાકાત ખુબ મહત્વની મનાય છે. તેમના કાશ્મીર મુલાકાતને ધ્યાને રાખી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ છે. અહીંના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
આજે દેશ નવી ઊંચાઈ સુધી પહોંચી રહ્યો છે : વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ આજે શ્રીનગરમાં ‘યુવાઓનું સશક્તિકરણ, જમ્મૂ-કાશ્મીરમાં પરિવર્તન’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘અગાઉના ઘણા દાયકાઓ સુધી ભારતને અસ્થિત સરકાર મળી છે. ભારતે અસ્થિરતા વચ્ચે ટેક ઑફ કરવાનું હતું, પરંતુ તેમ ન થઈ શક્યું. આજે દેશ નવી ઊંચાઈ સુધી પહોંચી રહ્યો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો, તેથી જ હું આ લોકશાહીના ઉત્સાહમાં ભાગ લેનારાઓને મળવા આવ્યો છું. માનવતા, લોકશાહી અને કાશ્મીરિયતને સાચો અર્થ આપ્યો’
જમ્મુ-કાશ્મરીમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી?
વડાપ્રધાને કહ્યું કે, ‘વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરે પોતાનું રાજ્ય તરીકે ભવિષ્ય નક્કી કરવાનો દિવસ નજીક આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આજે સાચા અર્થમાં ભારતનું બંધારણ લાગુ થયું છે અને આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે, સૌના ભાગલા પાડતી કલમ-370ની દિવાલ તોડી પડાઈ છે. અટલજીએ માનવતા, લોકશાહી અને કાશ્મીરિયતનું વિઝન આપ્યું હતું, તેને આજે આપણે હકીકતમાં બદલતું જોઈ રહ્યા છીએ. તમે આ ચૂંટણીમાં લોકશાહીને જીતાડી છે. તમે છેલ્લા 35-40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.’
મોદીએ જમ્મુ-કાશ્મીરમાં અનામત અંગે શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં આ પરિવર્તન કેન્દ્ર સરકારના 10 વર્ષના પ્રયાસોનું પરિણામ છે. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ પણ પ્રથમ વખત મતદાન કર્યું છે. વાલ્મીકિ સમાજની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરાઈ હતી. પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત OBC અનામત લાગુ કરાયું છે. હું દેશ માટે રાત-દિવસ જે કંઈ પણ કરી રહ્યો છું તે સારા ઈરાદાથી કરી રહ્યો છું. કાશ્મીરની અગાઉની પેઢીઓએ જે સહન કર્યું છે, તેમાંથી તેમને બહાર નીકળવા માટે હું ખૂબ જ ઈમાનદારી અને સમર્પણ સાથે કામ કરી રહ્યો છું.’