હું જીવિત છું ત્યાં સુધી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપુંઃ વડાપ્રધાન મોદી
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, હજી પાંચ તબક્કાનું મતદાન બાકી છે. જેને લઈને રાજકીય પક્ષો દ્વાર જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (30મી એપ્રિલ) તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા રહ્યું હતું કે, 'હું જીવિત છું ત્યાં સુધી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપું.'
ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપું: પીએમ મોદી
અનામત મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,'કોંગ્રેસે રાતોરાત મુસ્લિમોને OBC બનાવી દે છે. આપણા તેલંગાણામાં લિંગાયત અને મરાઠા સમુદાયના લોકોમાં 26 જાતિઓ એવી છે જેઓ ઓબીસીમાં જવાની માંગ કરી રહી છે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના લોકો મરાઠા, લિંગાયત અને આ 26 જાતિઓને ઓબીસી બનાવવાનું સ્વીકારતા નથી. હું જીવિત છું ત્યાં સુધી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપું.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન મોદી કહ્યું કે,'રાજ્યમાં ડબલ આર (આરઆર) ટેક્સ દ્વારા એકત્ર કરાયેલા પૈસા દિલ્હી મોકલવામાં આવે છે. તેલંગાણામાં કોંગ્રેસે સત્તામાં આવ્યાના 100 દિવસ બાદ પણ લોન માફીનું વચન પૂરું કર્યું નથી. કોંગ્રેસ જ્યાં પણ છે, તેની રાજનીતિમાં પાંચ નિશાન છે, ખોટા વચનો, મતબેન્કનું રાજકારણ, માફિયાઓ અને ગુનેગારોને પ્રોત્સાહિત કરવા, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર આ પાંચ નિશાન મળીને કોંગ્રેસનો પંજો બનાવે છે. હવે તેલંગાણામાં પણ લોકો કોંગ્રેસના પંજા અનુભવી રહ્યા છે.'
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં પણ સભા ગજવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (30મી એપ્રિલ) મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં પણ વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'મોદી તમારું જીવન બદલવા માટે દિવસ-રાત કામ કરે છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધનના સભ્યો મોદીને બદલવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. હું તમારું જીવન બદલવા માંગુ છું, પરંતુ તેઓ મને બદલવા માંગે છે. તેમની 'મોહબ્બત કી દુકાન'માં નકલી વીડિયો વેચાવા લાગ્યા છે.'
ખેડૂતો અંગે શું બોલ્યા?
ખેડૂતોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ ચૂંટણી ભારતના સ્વાભિમાનની છે. તમે 10 વર્ષ પહેલાનો સમય જોયો છે. તમે પણ આજનો સમય જોઈ રહ્યા છો. આજે વિશ્વ ભારતને જાણે છે જે વિશ્વના વિકાસને વેગ આપી રહ્યું છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોના હિસ્સાનું ખાતર પણ લૂંટવામાં આવતું હતું. ખેડૂતોને યુરિયા માટે માર સહન કરવો પડતો હતો, પરંતુ છેલ્લા 10 વર્ષમાં અમે ખેડૂતોને યુરિયાની અછતનો સામનો કરવા દીધો નથી. અમે ખેડૂતોને ખાતર પર 2.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી છે.'