'22 જાન્યુઆરીએ દિવાળી ઉજવો, ઘરમાં શ્રી રામના દિવા પ્રગટાવો', PM મોદીની દેશવાસીઓને અપીલ
અયોધ્યાને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે : મોદી
સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે : PM
PM Modi Ayodhya Visit : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો કર્યા બાદ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, ત્યારબાદ તેમણે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને બાદમાં અનેક પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. હાલ પીએમ મોદી વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા છે.
22 જાન્યુઆરીએ દિવાળી ઉજવો - PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરે શ્રી રામના દિવા પ્રગટાવવાની અપીલ કરું છું. 22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે દરેક માટે અયોધ્યા આવવું મુશ્કેલ છે, તેથી ભગવાનના દર્શન કરવા 22મી જાન્યુઆરી પછી આવો.
અયોધ્યાને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે : મોદી
PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશભરમાંથી રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે જેના માટે અહીં વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યાને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે, ફ્લાયઓવર, ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા છે તેમજ અયોધ્યાને આસપાસના જિલ્લાઓ સાથે જોડવા માટે ટ્રાફિકમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમના દ્વારા લખાયેલ રામાયણ એ જ્ઞાનનો માર્ગ છે જે આપણને રામની સાથે જોડે છે. વધુમાં તેમણે કહ્યું કે અહીંનું એરપોર્ટ આપણને દિવ્ય અને ભવ્ય રામ મંદિર સાથે જોડશે.
વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં ઉત્સાહ સ્વાભાવિક છે. હું દેશની માટીના દરેક કણ અને ભારતની દરેક વ્યક્તિનો પૂજારી છું.
પીએમ મોદીએ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન
પીએમ મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ તેમણે મુસાફરોની સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 3D મોડલ દ્વારા એરપોર્ટ વિશે અને પર્યાવરણ સંબંધિત સુવિધાઓ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારના 46 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેની કિંમત 15,700 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
પીએમ મોદીએ અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ જંક્શનથી2 નવી અમૃત ભારત ટ્રેન અને 6 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પહેલા તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. આ સિવાય અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
અયોધ્યામાં પીએમ મોદીએ રોડ શો કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો હતો. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
દેશને મળી નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે રોડ શો કર્યા બાદ દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી, આ પહેલા તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને હવે તે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. પીએમ અયોધ્યામાં રોડ શો માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.