PHOTOS | વડાપ્રધાન મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી, ખાવાનું પણ ખવડાવ્યું
PM Modi in Kaziranga Park News | વડાપ્રધાન મોદી 8 માર્ચથી આસામની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તે 18 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે. આજે તેમણે નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 8 માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાયા હતા.
પહેલા જીપમાં પછી હાથી પર કરી સવારી
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની જીપ અને હાથી પર સવારી કરી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારે વડાપ્રધાન કાફલા સાથે જંગલ સફારી કરવા પહોંચી ગયા હતા.
પહેલીવાર કાઝીરંગાની લીધી મુલાકાત
વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે અહીં સૌથી પહેલા પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ ક્ષેત્રમાં હાથીની સવારી કરી અને તેના પછી એ જ રેન્જમાં જીપની સફારી કરી હતી. પીએમ સાથે પાર્કના નિર્દેશક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન્ય અધિકારીઓ પણ હતા.
2 કલાક રોકાયા
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતા. અહીં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમની આગેવાની કરી હતી. રાત્રિ રોકાણ બાદ તેમણે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવાની શરૂઆત કરી. પીએમ મોદી પહોંચે તે પહેલા અહીં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી. માહિતી અનુસાર પીએમ મોદી અહીં લગભગ 2 કલાક સુધી રોકાયા હતા.