Get The App

‘ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં’, PM મોદીની સ્પષ્ટતા... મંત્રાલયોની વહેંચણીના પાંચ મુખ્ય સંદેશ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
‘ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં’, PM મોદીની સ્પષ્ટતા... મંત્રાલયોની વહેંચણીના પાંચ મુખ્ય સંદેશ 1 - image


PM Narendra Modi Cabinet : દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની આગેવાની હેઠળ સરકાર બનાવ્યા બાદ ગઠબંધનના સાથી પક્ષોને સ્પષ્ટ કહી દીધું છે કે, ભાજપ માટે ગઠબંધન જરૂરી છે, પરંતુ મજબૂરી નથી. લોકસભા ચૂંટણી-2024માં ભાજપે 240 બેઠકો જીતી છે, જ્યારે તેની આગેવાની હેઠળ એનડીએએ 293 બેઠકો પર જીત મેળવી છે. વર્ષ 2014ની ચૂંટણી ભાજપે 282 અને 2019માં 303 બેઠકો જીતી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી હતી, જોકે આ વખતે ગણિત બદલાઈ ગયું છે. ભાજપે બહુમતીના 272 જાદુઈ આંકડાથી થોડે દુર 240 બેઠકો જીતી હોવાથી તેણે એનડીએના સાથી પક્ષોને સહારે સરકાર બનાવી છે. ત્યારે હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, મોદી 3.0ની ગઠબંધન સરકારની ચમક કેવી રહેશે? મોદી 3.0માં કામકાજ કેવી રીતે કરાશે? મોદી કેબિનેટમાં મંત્રાલયોની ફાળવણીનો સંદેશો શું છે? તો જાણીએ આ તમામ સવાલોનો જવાબ...

1... ભાજપ સાથી પક્ષો આગળ નમશે નહીં

ચૂંટણી પરિણામો બાદ ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu)ની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) 16 બેઠકો અને નીતીશ કુમાર (Nitish Kumar)ની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) 12 બેઠકો જીતતા કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે અને આ બંને પાર્ટીઓએ ભાજપ સમક્ષ પોતપોતાની માંગણીઓ રજુ કરી છે. બંને પક્ષો મનમરજીના મંત્રાલયો માંગી રહ્યા હતા. નાયડુની પાર્ટીને માર્ગ પરિવહન જોઈતો હતો, જ્યારે નીતીશની પાર્ટીને રેલવે જોઈતું હતું. જોકે આવું બન્યું નથી. ભાજપે આ તમામ મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે.

રણનીતિ મુજબ ભાજપ રેલવે અને માર્ગ પરિવહનમાં વિકાસની ગતિ ધીમી ન પડવા દેવા માંગતો નથી. આ ઉપરાંત ભાજપે આ વિભાગો પોતાની પાસે રાખી એવો સંદેશ આપ્યો છે કે, ભાજપ સાથી પક્ષો આગળ નમશે નહીં. ભાજપે સાથી પક્ષોને એકપ્રકારનો સંદેશ આપ્યો છે કે, ગઠબંધન ધર્મ નિભાવીશું, પરંતુ માથું ઝુકાવી નહીં ચાલીયે. ઉલ્લેખનીય છે કે, દરેક ગઠબંધન સરકારમાં સાથી પક્ષોને રેલવે મંત્રાલય આપ્યા બાદ રેલવેની સ્થિતિ ખરાબ રહી છે.

2... મોદી 2.0 સરકારના કામકાજ ચાલુ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના મંત્રીઓને ફરી રેલવે, માર્ગ પરિવહનથી લઈને શિક્ષણ અને કાયદો મંત્રાલયની જવાબદારી સોંપી સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, આ મંત્રાલયોમાં સુધારાના શરૂ કરાયેલા કામો અટકશે પણ નહીં અને સુસ્ત પણ નહીં પડે. મોદી કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ને ફરી શિક્ષણ મંત્રી બનાવ્યા હોય કે પછી અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal)ને ફરી કાયદા મંત્રી... આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, મોદી 3.0 સરકારમાં મોદી 2.0ના કામકાજ ચાલુ રહેશે અને તેનો વિકાસ ક્યારેય અટકવા દેવાશે નહીં. દેશમાં વર્ષ 2024માં જ નવી શિક્ષણ નીતિ લાગુ થવાની છે. જ્યારે ગત સરકારમાં પસાર કરાયેલા ત્રણ નવા કાયદાઓનો પણ એક જુલાઈથી અમલ થવાનો છે. આવી સ્થિતિમાં જો આ મંત્રાલયોની જવાબદારી અન્ય મંત્રીને સોંપવામાં આવે તો નવા કાયદાઓ અને શિક્ષણ લાગુ કરવાની ડેડલાઈનમાં સમસ્યા સર્જાઈ શકે છે.

3... જૂના ચહેરાઓ પર વિશ્વાસ યથાવત્

ભાજપ અને વડાપ્રધાન મોદીની છબીનો રંગ બદલાતો રહ્યો છે. વર્ષ 2014 બાદ 2019માં વડાપ્રધાન મોદીની સરકાર બની, ત્યારે પણ આવું જોવા મળ્યું હતું. 2014માં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ (Rajnath Singh)ને સંરક્ષણ અને સંરક્ષણ મંત્રી રહેલા નિર્મલા સીતારામન (Nirmala Sitharaman)ને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે અમિત શાહ (Amit Shah)ને કેબિનેટમાં સામેલ કરી ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. 2024માં એવું મનાતું હતું કે, વડાપ્રધાન જૂના મંત્રીઓના વિભાગો બદલી શકે છે, જોકે એવું ન થયું. સરકારે નાણાં, સંરક્ષણ અને ગૃહ મંત્રાલય સહિત ઘણા વિભાગોમાં જૂના મંત્રીઓને યથાવત્ રાખ્યા છે.

4... ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં

ચૂંટણી પરિણામો આવ્યા બાદ જેડીયુ અને ટીડીપી મનમરીજાના વિભાગો મેળવવા ભાજપ પર દબાણ કરી રહ્યા હતા. બંને પાર્ટીઓ કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) સંબંધિત મંત્રાલયો માંગતા હતા. જોકે ભાજપે તેમાંથી એકપણ મંત્રાલય ન આપ્યું. ભાજપે માત્ર સીસીએસ જ નહીં રેલવે, કૃષિ, માર્ગ પરિવહન, શિક્ષણ અને કાયદા જેવા મહત્ત્વના મંત્રાલયો પણ પોતાની પાસે રાખ્યા. ભાજપે કિંગમેકર બનેલી ટીડીપી-જેડીયુને મનમરજીના મંત્રાલયો ન આપી એકપ્રકારે એવો સંદેશ આપ્યો છે કે, તેમના માટે ભલે ગઠબંધન જરૂરી છે, પરંતુ મજબૂરી નથી.

5... નીતિગત નિર્ણયો માટે સાથી પક્ષો પર નિર્ભર નથી

ભાજપે સીસીએસ સંબંધીત મંત્રાલયો ઉપરાંત કૃષિ, શિક્ષણ, કાયદો, રેલવે અને માર્ગ પરિવહન જેવા મહત્ત્વના મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે, તેનું પણ એક મહત્ત્વ છે. કૃષિ મંત્રાલય દ્વારા કિસાન સમ્માન નિધિ જેવી યોજનાનું સંચાલન કરવામાં આવે છે, જ્યારે માર્ગ પરિવહન અને રેલવે મંત્રાલયમાં વિકસીત થયેલા કામોની સીધી પ્રજા પર અસર પડે છે અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળે છે. મોદી 2.0ની સરકારમાં આ બંને વિભાગો અંગે ઘણા નીતિગત નિર્ણયો લેવાયા છે. મંત્રાલયોની ફાળવણી કરી સરકારે એકપ્રકારનો એવો પણ સંદેશ આપ્યો છે કે, જે ક્ષેત્રોમાં નીતિગત નિર્ણયો કરવાની જરૂર પડશે, ત્યારે તેણે સાથી પક્ષો પર નિર્ભર નહીં રહે.


Google NewsGoogle News