હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
PM Modi Delhi Rally: દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'વર્ષ 2025 ભારતના વિકાસ માટે ઘણી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફની અમારી યાત્રા આ વર્ષે વેગવંતી બનવા જઈ રહી છે. આજે ભારત અને વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતા છે. 2025માં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે.'
પીએમ મોદીએ કર્યા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ
વડાપ્રધાન મોદીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે, 'મેં ક્યારેય મારા માટે ઘર બનાવ્યું નથી. હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પરંતુ મોદીનું સપનું છે કે દરેક ગરીબને ઘર મળવું જોઈએ. મારા માટે એ સપનું હતું કે મારા દેશવાસીઓને કાયમી મકાનો મળે. આજે નહીં તો કાલે તેમને કાયમી ઘર મળશે. આ મકાનોમાં ગરીબ પરિવારને જરૂરી સુવિધાઓ છે. અમે અહીં અટકવાના નથી. દિલ્હીમાં આવા 3000થી વધુ મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું છે.'
આપ સરકાર પર નિશાન સાધ્યું
દિલ્હીની આપ સરકાર પર નિશાન સાધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'એક તરફ શિક્ષણને લઈને કેન્દ્ર સરકારની પહેલ છે, તો બીજી તરફ આ રાજ્ય સરકારનું ઘોર જુઠ્ઠાણું પણ છે. રાજ્ય સરકારે અહીંના શાળા શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. સ્થિતિ એવી છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જે નાણાં આપવામાં આવ્યા છે, તેમાં દિલ્હીમાં બેઠેલી સરકાર છે જેને દિલ્હીના બાળકોના ભવિષ્યની ચિંતા નથી. ભારત સરકાર શિક્ષણ માટે જે પૈસા આપે છે તેમાંથી અડધા પણ તેઓ શિક્ષણ પાછળ ખર્ચી શક્યા નથી.'
આ પણ વાંચો: OPRSમાં ગુજરાત દેશમાં પહેલા સ્થાને: એસ.ટી બસમાં રોજ 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'દિલ્હી છેલ્લા દસ વર્ષથી મોટી આફતથી ઘેરાયેલી છે. અન્ના હજારેજીને ખુલ્લા પાડીને કેટલાક કટ્ટર બેઈમાન લોકોએ દિલ્હીને આફતમાં ધકેલી દીધું. દારૂ કૌભાંડ, બાળકોની શાળાઓમાં કૌભાંડ, ગરીબોની સારવારમાં કૌભાંડ, પ્રદૂષણ સામે લડવાના નામે કૌભાંડ, ભરતીમાં કૌભાંડ... આ લોકો દિલ્હીના વિકાસની વાતો કરતા હતા. પરંતુ આ લોકો આફત બનીને માથે પડ્યા હતા.'
'AAPએ આયુષ્માન યોજનાનો અમલ થવા દીધો ન હતો'
આયુષ્માન યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, 'હું દિલ્હીના લોકોને મફત સારવારની સુવિધા પૂરી પાડતી આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવા માંગુ છું. આપ સરકારને દિલ્હીના લોકો સાથે ભારે દુશ્મની છે. આયુષ્માન યોજના આખા દેશમાં લાગુ છે, પરંતુ આપના લોકો આ યોજનાને અહીં (દિલ્હી) લાગુ થવા દેતા નથી. જેના કારણે દિલ્હીના લોકોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.'