એકે માંગ્યું હતું રાજીનામું તો બીજાએ છોડ્યો હતો 17 વર્ષનો સાથ, મોદી-નીતિશ અને નાયડુના સંબંધની કહાની
Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. કોઇપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ (BJP)ને 240 બેઠકો મળી છે જેથી તે બહુમતીના 272ના આંકડાથી દૂર છે, પરંતુ NDA ગડબંધનને 292 બેઠકો મળી છે. હવે સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. જો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન (PM Narendra Modi) તરીકે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો તેમને નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar) અને ચંદ્રાબાબુ નાયડુ (N. Chandrababu Naidu)ના સમર્થનની જરૂર પડશે.
543 બેઠક ધરાવતી લોકસભામાં સરકાર બનાવવા ઓછામાં ઓછી 272 બેઠકો જરૂરી છે. વર્ષ 2014 અને 2019માં પોતાના દમ પર બહુમતી લાવનાર ભાજપ આ વખતે બહુમતીનો આંકડો (272 બેઠક) પણ પાર કરી શકી નથી. જો કે એનડીએ પાસે 292 સીટો છે જે બહુમતી કરતા 20 વધુ છે. ભાજપ એનડીએ ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ છે. ત્યાર પછી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) છે, જેની પાસે 16 સાંસદો છે અને ત્રીજા સ્થાને નીતિશ કુમારની જેડીયુ છે 12 બેઠકો સાથે છે. એટલે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારની પાર્ટીના કુલ 28 સાંસદો છે. તેથી એનડીએ અન્ય પક્ષોના સમર્થનથી બહુમતીનો આંકડો પર કરી લેશે અને સરકાર બનાવી લેશે. માટે વડાપ્રધાન મોદીને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની ખાસ જરૂર છે. અત્યારે બંને એનડીએને સમર્થન આપી રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં આ બંને નેતાના સંબંધ નરેન્દ્ર મોદી સાથે ઉતાર-ચઢાવભર્યા રહ્યા છે. ભૂતકાળમાં તે બંને એનડીએને છોડી ચૂક્યા છે અને બિલકુલ લોકસભાની ચૂંટણી પહેલા જ એનડીએમાં પરત ફર્યા. તો જાણીએ નરેન્દ્ર મોદી સાથે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના રસપ્રદ સંબંધની કહાની.
નીતિશને મોદી સાથેની દોસ્તીથી સ્થાનિકોની નારાજગીનો ડર
નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના સંબંધ ખૂબ ઉતર-ચઢાવ ભર્યા રહ્યા છે. નીતિશ કુમારને હંમેશા ભય હતો કે મોદીનો સાથ તેમનાં પ્રાદેશિક મતદારોને નારાજ ના કરી દે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન નીતિશ કુમારે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નરેન્દ્ર મોદીને ના પાડી હતી. ત્યારબાદ પણ 2010માં વિધાનસભા ચૂંટણીમાં પણ મોદીને પ્રચાર માટે બિહારમાં આવવાની ના કહી હતી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક જૂન 2010માં પટનામાં યોજાવાની હતી. તે પહેલા પટણાના અખબારોમાં જાહેરાત પ્રકાશિત નરેન્દ્ર મોદીને નીતિશ કુમાર સાથે હાથ મિલાવતા દર્શાવાયા હતા. તેનાથી નીતિશ એટલા નારાજ થયા કે તેમણે ભાજપ નેતાઓ માટે ડિનરનો રદ કરી દીધું હતું. એટલું જ નહી 2010માં કોસી નદીમાં આવેલ પૂરની રાહત માટે ગુજરાત સરકાર તરફથી આપેલા રૂ. પાંચ કરોડનો ચેક પણ પરત કરી દીધો હતો.
છેવટે નીતિશ કુમારની 17 વર્ષ જૂના ગઠબંધનને અલવિદા
જૂન 2013માં નીતિશ કુમારે એનડીએ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન છોડી દીધું હતું. નીતિશે કુમારે ગઠબંધનનો સાથ છોડતા જણાવ્યું હતું કે, 'અમે અમારા મૂળભૂત સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકીએ નહીં. અમને ગઠબંધન છોડવાની ફરજ પડી છે.’ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી તેમણે એકલા લડી, પરંતુ જેડીયુને ખૂબ નુકસાન થયું. આ દરમિયાન તેમણે હારની જવાબદારી પોતાના પર લઇને મુખ્યમંત્રી પદેથી રાજીનામું પણ આપી દીધું. ત્યારબાદ વર્ષ 2015 વિધાનસભાની ચૂંટણી લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે ગઠબંધન કરીને લડી અને આરજેડી-જેડીયુની સરકાર બની. પરંતુ માત્ર બે વર્ષ પછી જુલાઈ 2017માં નીતિશ ફરી ગયા અને પાછા એનડીએમાં જોડાયા. એનડીએમાં જોડાયા બાદ લોકસભા અને 2020ની વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે લડી હતી. બિહારમાં એનડીએની સરકારની બની, પરંતુ ઓગસ્ટ 2022માં તેમણે ફરી પક્ષપલટો કર્યો અને આરજેડી સાથે સરકાર બનાવી. આ વર્ષે જાન્યુઆરીમાં નીતિશ કુમાર યુટર્ન લઈને આરજેડી છોડીને ફરીથી એનડીએમાં જોડાયા હતા.
ગુજરાત રમખાણો પછી નાયડુએ મોદીનું રાજીનામું માંગ્યું હતું
મોદી અને ચંદ્રબાબુ નાયડુની જોડી પણ નીતિશ કુમારની જેમ ઉતાર-ચઢાવ ભરી રહી છે. 2018 સુધી નાયડુ એનડીએમાં હતા, પરંતુ એનડીએથી અલગ થયા બાદ નાયડુની ટીડીપીએ માર્ચ 2018માં લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. જો કે પ્રસ્તાવ પસાર ન થઈ શક્યો. 2019ના લોકસભા ચૂંટણીમાં મોદી અને નાયડુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગઠબંધનથી અલગ થવાને કારણે વડાપ્રધાન મોદીએ નાયડુને 'યુટર્ન બાબુ' કહ્યા હતા. 2002માં થયેલા ગુજરાત રમખાણો પછી નાયડુ એ નેતાઓમાંના હતા, જેમણે સૌપ્રથમ નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગ્યું હતું. ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રમખાણોને કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું. 2019માં એક ચૂંટણી રેલીમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતા નાયડુએ કહ્યું હતું કે, 'હું પહેલો વ્યક્તિ હતો જેણે મોદી પાસે રાજીનામું માંગ્યું હતું. પછી ઘણાં દેશોએ તેના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વડાપ્રધાન બન્યા બાદ તેઓ ફરી એકવાર લઘુમતીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ જો કે 2019માં લોકસભા અને આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ નાયડુએ કથિત રીતે ઘણી વખત એનડીએમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવાય છે કે નાયડુએ આપેલા નિવેદનોને કારણે મોદી ટીડીપીને એનડીએમાં લાવવા માંગતા ન હતા. પરંતુ અભિનેતા પવન કલ્યાણે મોદી અને નાયડુને નજીક લઈને આવ્યા અને ચૂંટણી પહેલા માર્ચમાં ટીડીપી એનડીએમાં સામેલ થઈ ગઈ.
મોદીને નીતિશ અને નાયડુની કેમ જરૂર છે?
સરકાર બનાવવા માટેનો જાદુઈ આંકડો 272 છે, જ્યારે ભાજપ પાસે માત્ર 240 બેઠકો છે. ટીડીપીની 16 બેઠકો અને જેડીયુની 12 બેઠકો સહિત આંકડો 268 સુધી પહોંચે છે. બાકી રહેલી 24 બેઠકો બીજા પક્ષોની છે. એનડીએની કુલ 292 બેઠક છે. જો કોઈ પણ પક્ષ સાથ છોડે તો પણ એનડીએ પાસે બહુમતી રહેશે, પરંતુ સરકાર નબળી પડી જશે. જો ટીડીપી સાથ છોડે તો એનડીએ પાસે 276 સાંસદો રહે, જે બહુમતીના આંકડાથી થોડો જ વધારે હશે. એવી જ રીતે, જો નીતિશની જેડીયુ સાથ છોડી દે, તો એનડીએ પાસે 280 બેઠકો રહી જશે. આ સ્થિતિમાં પણ એનડીએ પાસે બહુમતી હશે, પરંતુ સરકાર નબળી બનશે અને વિપક્ષ મજબૂત બનશે. ટીડીપી અને જેડીયુ પાસે કુલ 28 બેઠકો છે. જો આ બંને પક્ષ સાથ છોડશે તો એનડીએ પાસે 264 બેઠકો રહી જશે અને સરકાર બહુમતી ગુમાવશે. આ બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને સરકાર ચલાવવા માટે મોદીને નીતિશ કુમાર અને ચંદ્રાબાબુની જરૂર છે.