Get The App

મુસ્લિમ અનામત પર લાલુ યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું, PM મોદીએ કહ્યું- આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા

Updated: May 7th, 2024


Google NewsGoogle News
મુસ્લિમ અનામત પર લાલુ યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું, PM મોદીએ કહ્યું- આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા 1 - image


Image Source: Twitter

PM Modi Attacks On Lalu Prasad Yadav: મધ્ય પ્રદેશના ધારમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મુસ્લિમ અનામત મામલે કોંગ્રેસની સથે-સાથે આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ તો OBC ક્વોટાને લૂંટીને મુસ્લિમોને અનામત આપવા માગે જ છે પરંતુ તેની સાથે તેના સાથી પક્ષો પણ આ મુદ્દે સમાજમાં ભાગલા પાડનારા નિવેદનો આપી રહ્યા છે. મુસ્લિમ અનામત પર આરજેડી નેતાના નિવેદન પર કોંગ્રેસ મૌન છે.

વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, બિહારમાં જે નેતા ઘાસ-ચારો ચરી જવા માટે ઓળખાય છે અને જામીન પર જેલની બહાર છે તેમણે તો કોંગ્રેસ કરતા એક ડગ આગળ વધીને કહી દીધું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. આનો અર્થ શું છે? શું SC, ST અને OBC સમાજનું અનામત મુસ્લિમોને આપી દેવું જોઈએ?

ખતરનાક ષડયંત્રની પોલ ખુલી ગઈ

વડાપ્રધાને કહ્યું કે, કોર્ટે પશુઓના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા છે પરંતુ વોટ બેંક માટે સમાજના વિભાજનની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે, આ લોકો OBC અનામતને કાપીને મુસ્લિમોને અનામત આપવા માગે છે. પરંતુ આવા નિવેદનોએ તો વધુ ખતરનાક ષડયંત્રનો ખુલાસો કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આ નિવેદન એ દિવસે આપી રહ્યા છે જે દિવસે વોટિંગ થઈ રહ્યું છે. આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે. 

શું કહ્યું હતું લાલુ પ્રસાદ યાદવે?

આ પહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આજે પત્રકારો સાથે વાત કરતા પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ તો બંધારણને જ ખતમ કરવા માગે છે, તેઓ લોકતંત્રને જ સમાપ્ત કરી દેવા માગે છે. લાલુ પ્રસાદે કહ્યું કે, જનતાને તેમની બધી વાતો સમજાઈ રહી છે. આ દરમિયાન લાલુ પ્રસાદે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. 

બીજી તરફ આરજેડી સુપ્રીમોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જંગલ રાજ વાળા નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, આ દેશવાસીઓને  ઉશ્કેરતું નિવેદન છે.


Google NewsGoogle News