Get The App

સંસદમાં હોબાળા વચ્ચે રાહુલ ગાંધી-વડાપ્રધાન મોદી વચ્ચે થઈ મુલાકાત, શાહ-ખડગે હતા હાજર, જાણો શું થઈ વાત

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
સંસદમાં હોબાળા વચ્ચે રાહુલ ગાંધી-વડાપ્રધાન મોદી વચ્ચે થઈ મુલાકાત, શાહ-ખડગે હતા હાજર, જાણો શું થઈ વાત 1 - image


PM Modi meets Rahul Gandhi and Mallikarjun Kharge: બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સંસદની અંદર અને બહાર વિપક્ષનો જોરદાર વિરોધ ચાલુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધી-વડાપ્રધાન મોદી વચ્ચે થઈ મુલાકાત

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના આગામી અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચા કરવા માટે પીએમ મોદીએ કોંગ્રેસના બંને નેતાઓ સાથે મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, જ્યારે ખડગે રાજ્યસભામાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષનું નેતૃત્વ કરે છે. બંને નેતા વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિનો પણ હિસ્સો છે, જે આ મહત્વપૂર્ણ નિમણૂક પર દેખરેખ રાખે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ બંધારણના નિર્માતાનું અપમાન કરવાના કોંગ્રેસના કાળા ઇતિહાસની પોલ ખોલી 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનના આરોપનો સામનો કરી રહેલા અમિત શાહનો જોરદાર બચાવ કરતાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ બંધારણના નિર્માતાનું અપમાન કરવાના કોંગ્રેસના કાળા ઇતિહાસની પોલ ખોલી દીધી છે, જેનાથી મુખ્ય વિપક્ષી પાર્ટી ચોંકી ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેની 'દૂષિત ઈકોસિસ્ટમ'ને લાગે છે કે તેમના 'દુર્ભાવનાપૂર્ણ જૂઠ' બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકર પ્રત્યે તેના અનેક વર્ષોના 'કુકર્મો'ને છૂપાવી શકે છે તો તે 'ગંભીર ભૂલ' કરી રહ્યા છે. 

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ભારતના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક 'પરિવાર'ના નેતૃત્વમાં એક પાર્ટી ડૉ. આંબેડકરના વારસાને ખતમ કરી નાખવા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક શક્ય 'ગંદી ચાલ' ચાલવામાં વ્યસ્ત છે. 

વડાપ્રધાન મોદીની આ ટિપ્પણી કોંગ્રેસના એ આરોપને ધ્યાનમાં રાખીને આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં 'ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા' વિષય પર બે દિવસ સુધી ચાલેલી ચર્ચાનો જવાબ આપતાં મંગળવારે પોતાના સંબોધન દરમિયાન બાબાસાહેબનું અપમાન કર્યું છે.


Google NewsGoogle News