હવે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ત્રણ મહિના સુધી પ્રસારિત નહીં થાય, જાણો શું છે કારણ...
આજે દરેક ગામમાં ડ્રોન દીદીની ચર્ચા થઈ રહી છે : PM
Mann Ki Baat LIVE Update : વડાપ્રધાન મોદી આજે 110મી વખત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોઘિત કરી રહ્યા છે. આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર પણ છે. 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઘણી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જેનાથી લોકો સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહિલા શક્તિના મહત્વનો ઉલ્લેખ કરીને નમો ડ્રોન દીદી સાથે વાત કરી. આ ઉપરાંત અનેક મુદ્દા પર વાત કરી હતી.
માર્ચમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ શકે છે
પોતાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે 'આ 110મો એપિસોડ છે અને શક્ય છે કે માર્ચમાં દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય.' છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન પણ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થોડા મહિનાઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'જ્યારે આપણે આગળ મળીશું ત્યારે તે 111મો એપિસોડ હશે અને આ એક શુભ નંબર છે અને આગળ આ નંબરથી શરૂઆત કરતાં વધુ સારું શું હોઈ શકે.'
આપણા જીવનમાં ટેક્નોલોજીનું મહત્વ વધી ગયું : પીએમ
વડાપ્રધાન મોદીએ વન્યજીવનમાં ડિજિટલ ઇનોવેશન વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે આજે આપણા જીવનમાં ટેક્નોલોજીનું મહત્વ વધી ગયું છે અને જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલની મદદથી વન્ય જીવનના જીવો સાથે પણ તાલમેલ જાળવવામાં મદદ મળી રહી છે. આ ઉપરાંત તેમણે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું હતું કે આ વર્ષે તેની થીમ ડિજિટલ ઈનોવેશન છે.
ધરતીને બચાવવા માતૃશક્તિની મહત્વની ભૂમિકા : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોઘનમાં જળ સંરક્ષણમાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દેશમાં એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ પાછળ રહી ગઈ હોય. કુદરતી ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતા આવા જ જ ક્ષેત્રો છે. કેમિકલના કારણે ધરતી માં જે પીડાનો સામનો કરી રહી છે તેનાથી ધરતીને બચાવવામાં આપણી માતૃશક્તિ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ માટે માત્ર મહિલાઓ જ તેનું નેતૃત્વ કરી રહી છે. અગાઉ પણ મહિલાઓ પાણી બચાવવાનું કામ કરતી હતી.
વડાપ્રધાન મોદીએ ડ્રોન દીદી સાથે કરી વાત
વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં મહિલા શક્તિની ચર્ચા કરી અને કહ્યું કે આજે દરેક ગામમાં ડ્રોન દીદીની ચર્ચા થઈ રહી છે. આજે મહિલાઓ પણ ગામડાઓમાં ડ્રોન ઉડાવી રહી છે. વડાપ્રધાને કાર્યક્રમ દરમિયાન સીતાપુરથી નમો ડ્રોન દીદી સાથે વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે મારું મિશન લખપતિ દીદી બનાવવાનું છે.